શેષનાગ


પૌરાણિક કલ્પના પ્રમાણે જેણે બ્રહ્માંડ પોતાના મસ્તક પર ધારણ કર્યું છે તે નાગ.

જે રીતે ગણિતમાં ‘શેષ’નો અર્થ કોઈ રકમનો ભાગાકાર કરતાં છેવટે જે વધે તે, તે રીતે જ્યારે બધું નાશ પામતાં જે છેવટે રહે તેનું પ્રતીક મનાય છે શેષનાગ. તેનાં ‘અનંત’, ‘આદિશેષ’, ‘સંકર્ષણ’ જેવાં અનેક નામો છે. મહાભારત પ્રમાણે કશ્યપથી કદ્રુના પેટે જન્મેલા હજારો નાગમાં સૌથી મોટો તે શેષનાગ. વાસુકિ, ઐરાવત અને તક્ષક શેષનાગના ભાઈઓ છે. કેટલાક નાગ તો ક્રૂર અને અન્યને હાનિ પહોંચાડે તેવા પણ ખરા. શેષનાગ તો તેનાં ભાઈઓ તથા માતાને છોડી ખૂબ તપ કરી બ્રહ્માને પ્રસન્ન કરે છે અને તેમની પાસેથી તે પોતાના મન પર કાબૂ રાખી શકાય એવી શક્તિનું વરદાન માગે છે. બ્રહ્મા તેની માગણી સ્વીકારે છે અને તેને અસ્થિર પૃથ્વીને તેની સહસ્ર ફેણ પર ધારણ કરી સ્થિરતા આપવા કહે છે. ત્યારથી આજ સુધી શેષનાગે પૃથ્વીને પોતાની ફણા પર ધારણ કરી છે. તે પાતાળમાં વસે છે.

ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા બનાવી ત્યાં પોઢે છે

શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદગીતામાં કહ્યું છે કે ‘નાગોમાં હું અનંત નાગ છું.’ શેષનાગ ભગવાન વિષ્ણુની તામસિક શક્તિ ગણાય છે અને તે વિષ્ણુની રક્ષા કરે છે. ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા બનાવી ત્યાં પોઢે છે, તેથી વિષ્ણુ ‘શેષશાયી’ પણ કહેવાય છે. શેષનાગ બ્રહ્માંડના સર્જન પહેલાં પણ હતો. કલ્પને અંતે શેષનાગ ઝેરી અગ્નિ ઓકે છે. અગિયાર રુદ્રોનું સર્જન કરી તેના દ્વારા બ્રહ્માંડનો નાશ કરે છે. જ્યારે જ્યારે પૃથ્વી પર શ્રીવિષ્ણુ અવતાર લે છે ત્યારે ત્યારે તેની રક્ષા માટે શેષનાગ અવતાર લે છે. એ રીતે રામાવતારમાં લક્ષ્મણના રૂપે અને કૃષ્ણાવતારમાં બલરામના રૂપે તેણે જન્મ ધારણ કર્યો હતો. વ્યાકરણકાર પતંજલિ પણ શેષનાગનો અવતાર ગણાય છે. કલિયુગમાં રામાનુજ સંપ્રદાયના સ્થાપક શ્રી રામાનુજાચાર્યને પણ શેષાવતાર માનવામાં આવ્યા છે. શેષનાગે તેની હજાર ફેણ પર પૃથ્વી ધારણ કરી હોઈ જ્યારે તે બગાસું ખાય છે ત્યારે ધરતી ધ્રૂજે છે. આવી ધરતીકંપ અંગેની પૌરાણિક માન્યતા પ્રચલિત છે. શ્રીકૃષ્ણના જન્મ પછી કંસના ભયથી વાસુદેવ તેમને નંદરાયના ત્યાં મૂકવા જાય છે, ત્યારે જમુના નદી ઓળંગતી વેળાએ મુશળધાર વરસાદથી બાલકૃષ્ણનું રક્ષણ કરવા શેષનાગ જ તેમના પર છત્ર ધારણ કરીને ચાલ્યો હતો. દક્ષિણ ભારતમાં આવેલા શહેરનું ‘તિરુવનંતપુરમ્’ (જૂનું ત્રિવેન્દ્રમ) નામ ‘અનંત’ પરથી પડ્યું છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અંજના ભગવતી