જ. ૨૯ ડિસેમ્બર, ૧૯૩૬ અ. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૦
ગુજરાતી ભાષાના જાણીતા કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યલેખક શ્રીકાંત શાહનો જન્મ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે શ્રી વલ્લભદાસ અને શ્રીમતી વસંતબહેનના ઘેર થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે બાંટવામાં જ પૂર્ણ કર્યું હતું. ૧૯૫૯માં બી.એ. અને ૧૯૬૧માં એમ.એ.ની પદવી તેમણે બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાંથી પ્રાપ્ત કરી હતી. શ્રીકાંત શાહે તેમની વ્યાખ્યાતા તરીકેની કારકિર્દી ૧૯૬૨-૬૩માં એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદથી શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે ‘જનસત્તા’ના રોજગાર અધિકારી તરીકે જામનગરમાં અને ‘જનસત્તા’ દૈનિકના મૅનેજર તરીકે રાજકોટ અને જનરલ મૅનેજર તરીકે અમદાવાદમાં કાર્ય કર્યું હતું. અમદાવાદની વિવેકાનંદ કૉલેજમાંથી તેઓ વ્યાખ્યાતા તરીકે નિવૃત્ત થયા હતા. શ્રીકાંત શાહે ‘નિરંજન સરકાર’ એવું ઉપનામ રાખી લેખનકાર્ય શરૂ કર્યું હતું. ૧૯૬૨માં તેમનો કાવ્યસંગ્રહ ‘એક માણસનું નગર’ નામે પ્રગટ થયો હતો. ‘અસ્તી’ નામની એક અસ્તિત્વવાદી નવલકથા તેમણે ૧૯૬૬માં પ્રકાશિત કરી હતી. ‘અસ્તી’ એમની પ્રાયોગિક નવલકથા છે. આ નવલકથામાં કોઈ કથાવસ્તુ નથી અને તે એક નામ વગરની વ્યક્તિની આસપાસ કેન્દ્રિત છે. જેને ‘તે’ કહેવાયો છે. ત્યારબાદ એક રહસ્ય નવલકથા ‘ત્રીજો માણસ’ પ્રકાશિત થઈ હતી. ‘તિરાડ અને બીજાં નાટકો, ‘નૅગેટિવ’, ‘કૅન્વાસ પરના ચહેરા’, ‘હું’ તેમજ ‘બિલોરી કાચના માણસો’, ‘એકાંતને અડોઅડ’, ‘વેનીશિયન બ્લાઇન્ડ’, ‘કારણ વિનાના લોકો’, ‘એકાંત નંબર ૮૦’ તેમનાં નાટકો છે. ૨૦૦૩માં તેમનો કાવ્યસંગ્રહ ‘એક માણસનું નગર’ શ્રી નિરંજન ભગત દ્વારા લખાયેલ પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ થયો હતો. નાટ્યલેખન ઉપરાંત તેમણે ચલચિત્ર, સાહિત્ય, મનોવિજ્ઞાન અને પ્રાચીન વસ્તુઓ જેવા વિવિધ વિષયો પર આશરે ૨૦૦ જેટલા સ્ફુટ લેખ અને ૫૦ જેટલી કવિતાઓ અને ત્રીસેક વાર્તાઓ લખેલ જે ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘અભિયાન, ‘પરબ’ અને ‘નવનીત સમર્પણ’માં પ્રસિદ્ધ થયાં હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તેમનાં નાટકો પુરસ્કૃત પણ થયાં છે.
અશ્વિન આણદાણી