જમ્મુ-કાશ્મીર રાજ્યનું ઉનાળુ પાટનગર તથા શ્રીનગર જિલ્લાનું વહીવટી મથક.
તે ૩૪° ૦૫´ ઉ. અ. અને ૭૪° ૪૯´ પૂ. રે. પર કાશ્મીર ખીણમાં, ૧૬૦૦ મીટરની ઊંચાઈએ નિર્મળ સરોવરો અને ઊંચા પર્વતોની વચ્ચે જેલમ નદીને બંને કાંઠે વસેલું છે. સ્ટાઇને લખેલા પુસ્તકમાં મળતી નોંધ અનુસાર, સાતમી સદીથી શ્રીનગર કાશ્મીરના પાટનગર તરીકે રહ્યું છે. આશરે ૬૩૧માં હ્યુ-એન-શ્વાંગે શ્રીનગરની મુલાકાત લીધેલી. તે વખતે જેલમનું નામ ‘વિતસ્તા’ હતું. ત્યારે પણ આ શહેર આજના સ્થળે જ હતું. તે એમ પણ જણાવે છે કે સમ્રાટ અશોકે ઈ. સ. પૂ. ૨૦૦ના ગાળામાં કાશ્મીરની ખીણ સુધી તેનું સામ્રાજ્ય વિસ્તારેલું. તેણે પર્વતની તળેટીમાં દક્ષિણ ધાર પર શ્રીનગર વસાવેલું. હ્યુ-એન-શ્વાંગના મત પ્રમાણે પ્રાંદ્રેથન જૂનું પાટનગર હતું, જ્યારે શ્રીનગર નવા શહેર તરીકે આકાર પામેલું. શહેરનું નામ ‘શ્રી’ એટલે લક્ષ્મી પરથી રાખવામાં આવેલું. બીજા મત પ્રમાણે છઠ્ઠી સદીના મધ્યકાળમાં રાજા પ્રવરસેન બીજાએ આ નગર વસાવેલું અને ત્યારે તે ‘પ્રવરસેનપુર’ તરીકે ઓળખાતું. કલ્હણે તેનો ‘પ્રવરપુર’ નામથી ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ તે ‘શ્રીનગરી’ અથવા ‘શ્રીનગર’ તરીકે જાણીતું થયું.
દાલ સરોવર
આજના શ્રીનગર શહેરની મધ્યમાં થઈને જેલમ નદી પસાર થાય છે. તે નદી પર લાકડાના સાત પુલો આવેલા છે. સ્થાનિક લોકોની અવરજવર માટે તથા પ્રવાસીઓના મનોરંજન માટે જેલમ નદીમાં શિકારાઓની હેરફેર રહે છે. પ્રવાસન અહીંનો મુખ્ય ઉદ્યોગ છે. શહેરનું અર્થતંત્ર મુખ્યત્વે પ્રવાસીઓ પર આધારિત છે. શહેર નજીક આવેલા દાલ સરોવરમાં તેમ જ જેલમ નદીમાં પ્રવાસીઓ માટે નૌકાગૃહો(house boats)ની સગવડ છે, તેનો લાભ અનેક પ્રવાસીઓ લે છે. પ્રવાસની મોસમ દરમિયાન પ્રવાસીઓ માટે શણગારેલા શિકારા દ્વારા નૌકાવિહારની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. શહેરના મધ્યભાગમાં સરકારી કાર્યાલયો આવેલાં છે. નદીકાંઠાના વિવિધ ભાગોમાં હોટલો, દુકાનો, ધાર્મિક સ્થળો, લઘુ ઔદ્યોગિક કેન્દ્રો આવેલાં છે. શ્રીનગર શહેર તેની આજુબાજુની ખેતપેદાશોનું જથ્થાબંધ અને છૂટક બજાર ધરાવે છે. અહીંના ગાલીચા, રેશમ અને રેશમી વસ્ત્રો, ધાતુકામની તેમ જ કાષ્ઠકલા-કોતરણીવાળી ચીજવસ્તુઓ વખણાય છે. આ વસ્તુઓની નિકાસ પણ કરવામાં આવે છે. શ્રીનગર દિલ્હી અને અમૃતસર સાથે નિયમિત હવાઈ સેવાથી સંકળાયેલું છે. પહાડી ભૂપૃષ્ઠને કારણે અહીં રેલમાર્ગો વિકસી શક્યા નથી. સડકમાર્ગોનો સારો વિકાસ થયેલો છે. શહેરના આંતરિક ભાગોમાં નાની નહેરો પસાર કરેલી છે. શ્રીનગર શહેર ખેલકૂદનું મુખ્ય કેન્દ્ર પણ છે. શહેરમાં કાશ્મીર યુનિવર્સિટી (૧૯૪૮) આવેલી છે. શહેરમાં આવેલાં જોવાલાયક સ્થળો પૈકી દાલ સરોવર, ચિનાર બાગ, શાલીમાર-નિશાત-ચશ્મેશાહી જેવા ભવ્ય અને રમણીય મુઘલ બગીચા, જામિયા મસ્જિદ, હઝરતબાલ મસ્જિદ અને કેન્ચિન્ગ્ટન સંગ્રહસ્થાન જાણીતાં છે. તખ્ત ટેકરી પરથી આખાય શહેરને નિહાળી શકાય છે. શંકરાચાર્ય ટેકરી પર આવેલા મંદિરની પણ પ્રવાસીઓ મુલાકાત લે છે. અહીંથી જઈ શકાય એવાં અન્ય જોવાલાયક સ્થળોમાં અનંતનાગ, ગુલમર્ગ, સોનમર્ગ, ખિલનમર્ગ, વુલર સરોવર, નંગા પર્વતશિખર, પહેલગામ, અમરનાથ વગેરેનો સમાવેશ થાય છે. ચલચિત્ર-ઉદ્યોગ માટે પણ શ્રીનગર પ્રિય સ્થળ રહ્યું છે. કાશ્મીરને પૃથ્વી પરના સ્વર્ગની ઉપમા અપાયેલી છે. ભારત તેમ જ દુનિયાભરના જુદા જુદા દેશોમાંથી સંખ્યાબંધ પ્રવાસીઓની શ્રીનગર ખાતે અવરજવર રહે છે. પરંતુ આતંકીઓની ત્રાસવાદી પ્રવૃત્તિથી પ્રવાસન ઉપર માઠી અસર પડી છે.
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી
અમલા પરીખ