શ્રીનિવાસ આયંગર રામાનુજન


જ. ૨૨ ડિસેમ્બર, ૧૮૮૭ અ. ૨૬ એપ્રિલ, ૧૯૨૦

ભારતના શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી. તમિળનાડુના કુંભકોણમના અત્યંત ગરીબ પરિવારમાં જન્મ. નાનપણથી જ ખૂબ તેજસ્વી એટલે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે દસમા ધોરણ સુધીનું ગણિત સમજી શકતા. ગણિત અને અંગ્રેજીમાં સારાં પરિણામો લાવતા તેથી સુબ્રમણ્યમ શિષ્યવૃત્તિ મળી પણ ગણિતના અતિ આકર્ષણથી બીજા વિષયો પ્રત્યેના દુર્લક્ષને કારણે કૉલેજના પ્રથમ વર્ષમાં જ નાપાસ થયા અને શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ. ૧૯૦૭માં અભ્યાસ છોડી દેવો પડ્યો. આથી આર્થિક સ્થિતિ માટે ગણિતનાં ટ્યૂશન તથા બીજે ખાતાવહીનું કામ કરવા લાગ્યા. ૧૯૧૨માં તેઓ ‘મદ્રાસ પૉર્ટ ટ્રસ્ટ’માં કારકુન તરીકે જોડાયા. કેટલાક હિતેચ્છુઓની સલાહથી તેમણે ૧૯૧૩ના જાન્યુઆરીમાં ઇંગ્લૅન્ડના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી હાર્ડીને પોતાનાં સંશોધનોનો પરિચય આપતો પત્ર લખ્યો. હાર્ડીએ તેમને ઇંગ્લૅન્ડ આવવા આમંત્રણ આપ્યું. મદ્રાસ યુનિવર્સિટીને ભલામણ કરીને રામાનુજનને સંશોધન માટે શિષ્યવૃત્તિ અપાવી. પરિણામે ૧૯૧૪ના માર્ચમાં  તેઓ ઇંગ્લૅન્ડ ગયા. કેમ્બ્રિજમાં હાર્ડી સાથે જ ઉત્તમ કોટિનું સંશોધનકાર્ય કર્યું અને કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજના ફેલો બન્યા. ૧૯૧૮માં ‘રૉયલ સોસાયટી’એ પણ તેમને  ફેલો બનાવ્યા. આ માન મેળવનાર તેઓ સૌપ્રથમ ભારતીય ગણિતજ્ઞ હતા. તબિયત નાદુરસ્ત રહેવાથી ૧૯૧૯ના માર્ચ મહિનામાં ભારત પાછા આવ્યા. તેમનું સંશોધન મુખ્યત્વે સંખ્યાગણિત, અધિભૌમિતિક શ્રેઢિઓ, પરંપરિત અપૂર્ણાંકો, પૂર્ણાંકોનાં વિભાજનો વગેરે ક્ષેત્રોમાં હતું. ૧૯૦૨થી લઈ ઇંગ્લૅન્ડ ગયા ત્યાં સુધી તેમનાં બધાં પરિણામો તેમણે જે નોટમાં લખ્યાં હતાં તે તેમના જ હસ્તાક્ષરોમાં ૧૯૫૭માં મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્રકાશિત થયાં છે. મરણપથારીએથી પણ નવી શોધો કરી ઇંગ્લૅન્ડ મોકલી તે ખોવાઈ ગઈ, પણ ૧૯૭૬માં જી. ઈ. એન્ડ્રુઝે કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજના પુસ્તકાલયમાં શોધી કાઢી. પૂર્ણાંકનાં વિભાજનોની સંખ્યા શોધવા અંગેનું ૧૯૧૭માં પ્રકાશિત થયેલું હાર્ડી અને રામાનુજનનું સંયુક્ત સંશોધનપત્ર યુગપ્રવર્તક બન્યું. તેમના વિશિષ્ટ પ્રદાનની યાદમાં ‘રામાનુજન પુરસ્કાર’ તથા રામાનુજન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ.

રાજશ્રી મહાદેવિયા