મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પૂર્વે શ્રીકૃષ્ણાર્જુનસંવાદ રૂપે શ્લોકબદ્ધ રીતે બ્રહ્મવિદ્યાનું સારતત્ત્વ રજૂ કરતો હિન્દુઓનો મુખ્ય ધર્મગ્રંથ. આમ ભવસાગરને તરી જવાની કળા –જીવનકળા શીખવતો સર્વ ઉપનિષદોના દોહનરૂપ આ આધ્યાત્મિક – ધાર્મિક ગ્રંથ છે. મહાભારતના તે અંગરૂપ છે. મહાભારતનું યુદ્ધ શરૂ થયું તે પહેલાં કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર જ્યારે પાંડવો અને કૌરવોનાં સૈન્યો સામસામે ગોઠવાઈ ગયાં અને યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં હતું ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પાંડવપક્ષના સેનાની અર્જુનને તે જ્યારે સ્વજનોને હણવા માટેની અનિચ્છા વ્યક્ત કરીને વિષાદમાં ઊતરી ગયો ત્યારે મહાભારતનું ધર્મયુદ્ધ લડવા માટે ઉપદેશ આપે છે. આ ઉપદેશ અઢાર અધ્યાયના સાતસો શ્લોકો દ્વારા પ્રશ્નોત્તર સ્વરૂપે –શ્રીકૃષ્ણાર્જુનસંવાદ રૂપે રજૂઆત પામ્યો છે. એમાં વિશેષ વક્તવ્ય તો શ્રીકૃષ્ણનું જ છે. ગીતામાં જીવ, જગત અને બ્રહ્મના સંદર્ભમાં મનુષ્યના સ્વધર્મની ચર્ચા કરવામાં આવી છે. દેશ, કાળ કે સંપ્રદાયની મર્યાદાથી બંધાયા વિના એમાં વ્યાપક દૃષ્ટિથી અંતરાત્મા અને પરમાત્માના સંબંધ-સંવાદની, જીવ-શિવના આધ્યાત્મિક યોગસંબંધની વિચારણા કરવામાં આવી છે.
શ્રીકૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ કરે છે
ૠષિમુનિઓએ જેટલું પણ તત્ત્વજ્ઞાન આપ્યું છે એ બધું જ વનોમાં, ડુંગરાઓની ગુફાઓ કે કંદરાઓમાં રહીને આપ્યું છે; પરંતુ ગીતાનું જ્ઞાન તો યુદ્ધના મેદાનમાં બંને સેનાઓ વચ્ચે ઊભા રહીને સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા જ આપવામાં આવ્યું છે ! ગીતામાં મહાભારતના અઢાર પર્વની જેમ અઢાર અધ્યાયો છે. છ છ અધ્યાયના ત્રણ ખંડમાં તેને વહેંચી શકાય. આ ગ્રંથમાં યુગધર્મનું મહત્ત્વ સમજાવતા છ છ અધ્યાયોની એક એવી કર્મ, ભક્તિ અને જ્ઞાનની ત્રિ-વેણી ગૂંથાયેલી જોઈ શકાય છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો સુંદર સમન્વય સધાયેલો છે. ગીતા ગાઈ શકાય તેવું સુંદર કાવ્ય છે. તેનું પઠન અને મનન જ્યારે જ્યારે કરવામાં આવે ત્યારે એક નવું સાર્થક જીવન જીવવાની ચાવી તેના પઠનકર્તાને મળી રહે છે. આ ગ્રંથમાંથી યોગેશ્વર શ્રીકૃષ્ણનો મહિમા પણ પામી શકાય છે. વિનોબાજી ગીતાને ‘ગીતા આઇ(મા)’ કહેતા હતા. ‘દરેક દુ:ખ, દરેક પીડા માટે ગીતા આઇના શરણમાં જાઓ’ તેવું તેઓ કહેતા હતા. ગાંધીજી પણ કહેતા હતા કે, ‘ગીતા મારી માતા સમાન છે. મને જ્યારે મુશ્કેલીઓ સતાવે ત્યારે હું મારી માતાના ખોળામાં ચાલ્યો જાઉં છું, મને મારા તમામ પ્રશ્નોના હલ મળી જાય છે.’ ગીતાને હિન્દુ ધર્મનો પ્રતિનિધિ ગ્રંથ માનવામાં આવે છે. જૂના વખતમાં તો ઉપનિષદ, બ્રહ્મસૂત્ર સાથે ગીતાનો આધાર લઈ જીવ, જગત અને બ્રહ્મના સ્વરૂપ-સંબંધ વિશે પોતાની આગવી તત્ત્વવિચારણા રજૂ કરવી એ આચાર્યપદની માન્યતા માટે જરૂરી લેખાતું હતું. તે ભારતીય અધ્યાત્મના આધારભૂત ગ્રંથોમાંનો એક છે. આ કારણે જ કોર્ટમાં ગીતાના સોગંદ લેવડાવવામાં આવે છે. લોકમાન્ય ટિળકની દૃષ્ટિએ ગીતામાં કર્મયોગની, ગાંધીજીની દૃષ્ટિએ અનાસક્તિયોગની અને વિનોબાની દૃષ્ટિએ સામ્યયોગની ભૂમિકા મહત્ત્વની છે. ભગવદગીતાનો વ્યાપક પ્રભાવ ભારતની સર્વ ભાષાઓના આધ્યાત્મિક સાહિત્ય પર પડેલો જોઈ શકાય છે. વળી તેના અનેક અનુવાદો તેમ જ ટીકાભાષ્યો વગેરે મળતાં રહ્યાં છે. ભગવદગીતાના આધારે ગુજરાતી તેમ જ અન્ય પ્રાદેશિક ભાષાઓમાં ગીતાસ્વરૂપનો એક કાવ્યપ્રકાર પ્રચલિત થયેલો છે.
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી
શુભ્રા દેસાઈ