જ. ૩૦ ડિસેમ્બર, ૧૮૭૯ અ. ૧૪ એપ્રિલ, ૧૯૫૦
અર્વાચીન ભારતના એક મહાન સંત રમણ મહર્ષિનું મૂળ નામ વેંકટરમણ અય્યર હતું. તેમનો જન્મ તિરુચુલી, તમિળનાડુમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ તેમણે પોતાના ગામમાં જ લીધું. ૧૮૯૨માં પિતાનું અવસાન થવાથી મોટા ભાઈ સાથે મદુરાઈમાં તેમના કાકાને ત્યાં રહી ભણવા લાગ્યા. અહીં સ્કૉટ મિડલ સ્કૂલમાં છઠ્ઠી અને સાતમી કક્ષાનો અને પછી ત્યાંની અમેરિકન મિશન હાઈસ્કૂલમાં દસમા ધોરણનો અભ્યાસ કર્યો. કુશાગ્ર બુદ્ધિવાળા હોવાથી ગણિત અને તમિળમાં હોશિયારી અસાધારણ હતી. ૧૮૯૫માં નવેમ્બર માસમાં તિરુચ્ચુળિના એક વૃદ્ધ પુરુષ પાસેથી ‘અરુણાચળ’નું નામ સાંભળતાં તેમની નસોમાં વીજળી પ્રસરી ગઈ. વળી એક દિવસ ‘પેરિયપુરાણમ્’ નામનો ગ્રંથ વાંચ્યો અને ભક્તો માટે અસીમ શ્રદ્ધા અને પ્રેમ પેદા થયાં. ૧૮૯૬ના ઑગસ્ટ મહિનાથી દિલમાં ભક્તિનું જોર વધવા લાગ્યું. આમ સત્તર વર્ષની ઉંમરે જ આત્મતત્ત્વની અનુભૂતિ થઈ. છેવટે ૧૮૯૬માં વૈરાગ્ય પ્રબળ થતાં ૧લી સપ્ટેમ્બરે ગૃહત્યાગ કરી અરુણાચળ ઉપરના દેવમંદિરમાં પહોંચ્યા. દેહભાવ ચાલી ગયો અને પરમ શાંતિનો અનુભવ થતાં જાતે જ સંન્યાસ લઈ માથા પરથી વાળ ઉતરાવી, જનોઈ ઉતારી અને માત્ર લંગોટી જેટલું કપડું ફાડી બીજું વસ્ત્ર ફેંકી દીધું. ૧૮૯૭માં ‘ગુરુમૂર્તમ્’ રહેવા ગયા અને ‘બ્રાહ્મણસ્વામી’ તરીકે ઓળખાયા. એક વાર પલનિસ્વામી નામે એક ભાઈ આવ્યા અને પ્રભાવિત થતાં સેવક બની રહ્યા. ૧૮૯૯માં અરુણાચળના પહાડને જ રહેઠાણ બનાવ્યું. અહીં ગંભીરમ્ શેષય્યરે રાજયોગ અને જ્ઞાનયોગમાંથી પ્રશ્નોનું સમધાન માંગ્યું જે સ્વામીજીએ કાગળની કાપલીઓ પર આપ્યું અને તેનું સંકલન ‘આત્માનુસંધાન’ રૂપે પ્રકટ થયું. તેથી આ સ્વામીજીનું પ્રથમ પુસ્તક. ૧૯૦૩માં ગણપતિશાસ્ત્રીએ જાણ્યું કે સ્વામીજીને બાળપણમાં ‘રમણ’ કહી બોલાવતા તેથી તેમણે ‘શ્રીરમણપંચક’ની રચના કરી. તેમણે તમિળમાં ‘ઉળ્ળદુનાર્પદુ’ નામના ૭૦૦ શ્લોકો લખ્યા છે. તેમનાં ઉપદેશવચનો, વિચારસંગ્રહમ્, ‘હુ એમ આઇ’ જેવી કેટલીક રચના મળે છે. એમના ઉપદેશને અનુસરીને એમના અનુયાયીઓ દ્વારા
શ્રી રમણાશ્રમ કાર્યરત છે.
રાજશ્રી મહાદેવિયા