શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ


જ. ૨૮ ડિસેમ્બર, ૧૯૨૫ અ. ૧૯ જૂન, ૨૦૧૪

તેઓ જૈન નગરશેઠ કુટુંબમાં જન્મેલા, કુશળ વહીવટકર્તા અને સંવેદનશીલ, મિતભાષી, ધાર્મિક સજ્જન અને બાહોશ ઉદ્યોગપતિ હતા. વિખ્યાત ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈના નાના પુત્ર શ્રેણિકભાઈએ શાળાનો અભ્યાસ તથા કૉલેજનાં બે વર્ષનો અભ્યાસ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં કર્યો હતો. એ પછી અમેરિકાની મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(MIT)માંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષય સાથે ૧૯૪૬માં સ્નાતક (B.S.) થયા. ૧૯૪૮માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી માસ્ટર ઑવ્ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન(M.B.A.)ની ડિગ્રી લીધી હતી. સ્વદેશ આવ્યા બાદ લાલભાઈ જૂથના ઉદ્યોગો – રાયપુર, સરસપુર, અશોક, અરિંવદ, અરુણ, નૂતન, ન્યૂ કૉટન, અનિલ સ્ટાર્ચ લિ. અને અતુલ પ્રોડક્ટસ લિમિટેડ વગેરે ઉદ્યોગોનું સંચાલન કરવા લાગ્યા. તેઓ કુશળ વહીવટદાર હતા. ત્યારપછી અમદાવાદ  એજ્યુકેશન સોસાયટીનું ચૅરમૅનપદ લીધા પછી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ કર્યો. તેઓ ઘણી બધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જેવી કે CEPT, IIM, PRL, લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડોલૉજીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત અટિરા, પ્લાઝમા રિસર્ચ, ગુજરાત યુનિવર્સિટીમાં સભ્ય તરીકે હતા. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાત વિદ્યાસભા તેમજ ગાંધી આશ્રમ ટ્રસ્ટનું પ્રમુખપદ સંભાળ્યું હતું. તેમના સક્રિય જીવનકાળ દરમિયાન તેમણે અનેક સંસ્થાઓમાં પ્રમુખપદ સંભાળ્યું હતું. તેમને જૈન ધર્મ પ્રત્યે ઊંડી આસ્થા હતી. ઘણાં જૈનતીર્થોના ટ્રસ્ટમાં તેઓ સામેલ હતા અને તીર્થોના જીર્ણોદ્ધાર અને જાળવણીની કાળજી કરતા હતા. પાંજરાપોળનાં પ્રાણીઓ માટે પણ તેઓએ ખૂબ સેવાઓ આપી હતી. તેમનાં પત્ની પન્નાબહેન મોહિનાબા કન્યા વિદ્યાલય, રચના માધ્યમિક શાળા, મધુબની શિશુશાળા જેવાં શૈક્ષણિક કાર્યો કરતાં હતાં. તેમને સંજયભાઈ અને કલ્પનાબહેન બે સંતાનો છે.

અંજના ભગવતી