દૂધના ઉત્પાદનમાં થયેલા વધારાની ક્રાંતિકારી ઘટના.
ભારતમાં ડેરી-ઉદ્યોગની શરૂઆત ખાનગી ક્ષેત્ર દ્વારા ઓગણીસમી સદીમાં શરૂ થઈ. ત્યાર પછી વીસમી સદીમાં સહકારી ડેરી-ઉદ્યોગની શરૂઆત થઈ. આઝાદી પછી દેશમાં સહકારી ક્ષેત્રે ડેરી-ઉદ્યોગનો વિશેષ તથા મહત્ત્વનો વિકાસ થયો છે. ભારત સમગ્ર વિશ્વમાં વધુ દૂધ પેદા કરતો દેશ બન્યો છે. જોકે માથાદીઠ દૂધની ઉપલબ્ધિ તથા વપરાશમાં અને પશુઓની દૂધ-ઉત્પાદકતામાં દેશ ઘણો પાછળ છે. આમ છતાં પશુપાલન વ્યવસાય માટે કેટલાક અનુકૂળ ઘટકો જોવા મળે છે. તેને લીધે દેશની અડધા જેટલી કામ કરતી વસ્તી આ વ્યવસાય સાથે જોડાયેલી જોવા મળે છે. આયોજનકાળથી માંડીને અત્યાર સુધી દેશમાં દૂધ-ઉત્પાદનનું પ્રમાણ પાંચ ગણાથી પણ વધારે થયું છે. ભારત દૂધની બનાવટો તથા પેદાશોની વિદેશમાં પણ નિકાસ કરતું થયું છે.
અમૂલ ડેરી
દૂધ શ્વેત રંગનું હોવાથી તેના ઉત્પાદનમાં થયેલા મોટા વધારાની ઘટનાને ‘શ્વેત ક્રાંતિ’ તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર એશિયામાં જેની નામના છે તે અમૂલ ડેરીની સ્થાપના ગુજરાતમાં આણંદ ખાતે ૧૯૪૬માં કરવામાં આવી હતી. આ ડેરીની સ્થાપના અને વિકાસમાં શ્રી ત્રિભોવનદાસ પટેલ અને ડૉ. વર્ગીસ કુરિયનનો મોટો ફાળો હતો. ૧૯૬૪માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રી આણંદની મુલાકાતે આવ્યા ત્યારે ડેરીની સફળતાથી પ્રભાવિત થઈ તેમણે ડૉ. કુરિયનને આવી ડેરીઓ સમગ્ર ભારતમાં ઊભી કરવા જણાવેલું. આ અરસામાં દેશમાં સઘન પશુ-વિકાસ કાર્યક્રમ (Intensive Cattle Development Programme – ICDP) શરૂ કરવામાં આવ્યો. તેની અંતર્ગત શ્વેત ક્રાંતિ આણવા માટે પશુમાલિકોને સુધાર-પૅકેજ આપવામાં આવ્યાં. ૧૯૬૫માં રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ(National Dairy Development Board – NDDB)ની સ્થાપના કરવામાં આવી. પાંચેક વર્ષ બાદ આ નિગમ દ્વારા ‘ઑપરેશન ફ્લડ’ તરીકે ઓળખાતો વિશ્વનો સૌથી મોટો વિકાસ-કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. બે દાયકામાં આ કાર્યક્રમ હેઠળ શ્વેત ક્રાંતિ રૂપે ભારતમાં દૂધના ઉત્પાદનમાં મોટો વધારો થયો છે. ‘ઑપરેશન ફ્લડ’ના સૂત્રધાર અથવા શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કુરિયન હતા. અમૂલ ડેરીએ આણંદ શહેર તથા ગુજરાતને વિશ્વના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું છે. ભારતનાં બીજાં રાજ્યો તથા પડોશી દેશો પણ અમૂલની જેમ ડેરી-ઉદ્યોગ વિકસાવવામાં ઘણો રસ લે છે. ભારતમાં શ્વેત ક્રાંતિ લાવવામાં અમૂલનો મોટો ફાળો રહ્યો છે. આ દેશની સરકાર અને સહકારી મંડળીઓના સહિયારા સફળ પ્રયાસથી જે ક્રાંતિ સાધી શકાઈ છે તે ખરેખર દેશના ગરીબ તથા મધ્યમ વર્ગ માટે ઘણી હિતકર સાબિત થઈ છે.
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી
શુભ્રા દેસાઈ