બે દેશો વચ્ચે સ્વીકૃત થયેલ અને નિશ્ચિત પદ્ધતિ દ્વારા સત્તાધીશો દ્વારા માન્ય થયેલું સુલેહનામું.
તેમાં સુલેહ કે શાંતિના કરાર અને સ્વીકૃતિપત્રના ભાવાર્થ આવરી લેવાયા હોય છે. સંધિ સાથે અંગ્રેજીના ‘કન્વેન્શન’, ‘પ્રોટોકૉલ’, ‘કૉવેનન્ટ’, ‘ચાર્ટર’, ‘પૅક્ટ’, ‘સ્ટેચ્યૂટ’, ‘ઍક્ટ’, ‘ડેક્લેરેશન’ વગેરેની અર્થચ્છાયાઓ પણ જોવા મળે છે. આવી સંધિથી બે દેશોની સરકારો વચ્ચે હક્કો અને જવાબદારીઓ નક્કી થાય છે. જે તે સંધિકરારનું પાલન થાય તે માટે જવાબદાર અધિકારીઓને કામની સોંપણી કરવામાં આવે છે. આવી સંધિ તેમાં ભાગ લેનાર સૌ પક્ષકારોને બંધનકર્તા હોય છે. સામાન્ય રીતે આવી સંધિઓની વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કરવામાં આવે છે. વધુમાં આંતરરાષ્ટ્રીય સંગઠનો આ માટેનાં ધારાધોરણો નક્કી કરે છે. મહદ્અંશે વિવિધ દેશો વચ્ચેના સરહદી ઝઘડાઓ, વ્યાપારી લેવડદેવડ, આયાત-નિકાસ, નાગરિકોની માન્યતા અને જળવિવાદ તેમ જ યુદ્ધો જેવી બાબતે આ પ્રકારની સંધિઓ દ્વારા મતભેદોનો ઉકેલ લાવવામાં આવે છે. આ અર્થમાં સંધિ એ દેશો વચ્ચેના મતભેદોની શાંતિમય અને સમજદારીપૂર્વકની પતાવટ હોય છે.

વર્સાઇલ્સ/વર્સેલ્સની સંધિ
૧૯૧૯માં થયેલી વર્સાઇલ્સ/વર્સેલ્સની સંધિ અનુસાર પ્રથમ વિશ્વયુદ્ધ(૧૯૧૪થી ૧૯૧૮)નો અંત લાવવામાં આવ્યો હતો. જેમાં એક તરફ વિજયી મિત્રરાષ્ટ્રો (allies) હતાં અને બીજી તરફ જર્મની, ઇટાલી (axis) જેવાં પરાજિત રાષ્ટ્રો હતાં. તેમાં મુખ્યત્વે વિશ્વયુદ્ધ બંધ કરી સુલેહને લગતી શરતો સામેલ કરવામાં આવી હતી. દેશો દેશો વચ્ચેના ગુનેગારોને પકડવા અંગેની સંધિ પ્રત્યર્પણ સંધિ તરીકે ઓળખાય છે. વિવિધ દેશો વચ્ચે એકબીજાને મુશ્કેલીના સમયે સહકાર આપવા માટે પણ સંધિ કરવામાં આવે છે. નૉર્થ ઍટલૅન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO) અથવા સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (SEATO) દેશોના સમૂહને સલામતી આપતી સંધિઓ છે. આવી કોઈ સંધિ ટૂંકા સમય માટે નક્કી થઈ હોય તો તે કામચલાઉ સંધિ તરીકે ઓળખાય છે. દેશની અંદર કે બે દેશો વચ્ચે સંઘર્ષોના ઉકેલ માટે સંઘર્ષનિવારણ સંધિઓ પણ કરવામાં આવે છે. ભારત-પાકિસ્તાન દેશો વચ્ચે થયેલા સિમલા કરાર આ પ્રકારની સંધિ છે. આવી સંધિઓ આંતરરાષ્ટ્રીય કાયદાઓથી માન્ય થાય પછી જ તેનો અમલ કરી શકાય છે. સંધિ સંઘર્ષોને સમજદારીથી ઉકેલવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
રક્ષા મ. વ્યાસ
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી