સજીવ ખેતી


સજીવો અને સેન્દ્રિય દ્રવ્યોની મદદથી થતી ખેતી.

આ ખેતીને ‘પ્રાકૃતિક’, ‘પર્યાવરણમિત્ર’, ‘પ્રકૃતિમિત્ર’ કે ‘બિનરાસાયણિક’ ખેતી પણ કહે છે. તે અપ્રાકૃતિક અને પરાવલંબી રાસાયણિક ખેતીથી જુદી છે. સજીવ ખેતીનાં નોંધપાત્ર પાસાં નીચે પ્રમાણે છે : (૧) ખેતી સંબંધિત જમીન, પાણી, હવા અને પ્રકાશની પ્રાપ્તિ, રક્ષણ અને શુદ્ધતાનું સમતોલ આયોજન; (૨) સ્થળ, સમય અને આબોહવાને અનુરૂપ પાકની પસંદગી; (૩)પ્રાકૃતિક (કુદરતી) બિયારણની પ્રાપ્તિ અને જાળવણી; (૪) એક વારાની વાવણીમાં યોગ્ય પાકોનું સંયોજન; (૫) ખેતીને પોષતા સજીવોનું પાલન; (૬) પાકનું પોષણ અને આરોગ્યરક્ષણ; (૭) યંત્રોના ઉપયોગમાં વિવેક; (૮) વિવેકી નીંદણ-નિયમન; (૯) ઉતારેલા પાકોની યોગ્ય સંચય-વ્યવસ્થા; (૧૦) ખેડૂત અને ખેતીની સામાજિક-આર્થિક સુરક્ષાને અનુરૂપ સામુદાયિક આયોજન અને (૧૧) સિદ્ધ થયેલ કૃષિજ્ઞાનની વ્યાપક આપ-લે અને તેનો ઉપયોગ.

સજીવ ખેતી

આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી જમીન, પાણી અને હવા પ્રદૂષિત થાય છે. જમીન બગડે છે અને જમીનમાં રહેલા ફાયદાકારક જીવાણુઓ નાશ પામે છે. ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે અને પાકના વધુ ઉત્પાદન માટે સંકલિત પાક-પોષણ-વ્યવસ્થા અપનાવવી જરૂરી છે. તેમાં છાણિયું ખાતર, કંપોસ્ટ, વર્મી કંપોસ્ટ કે ખોળ જેવાં સેન્દ્રિય ખાતરોનો અને જૈવ-ખાતરોનો વપરાશ, યોગ્ય પાક-ફેરબદલી તથા પાક-અવશેષોનો ઉપયોગ કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતરોમાં અળસિયાંનું ખાતર ઉત્તમ છે. અળસિયાં જમીનને સમૃદ્ધ બનાવે છે. તે ધરતીમાં વારંવાર ઉપર-નીચે આવનજાવન તથા મળોત્સર્જન દ્વારા ભૂમિખેડ કરે છે. તેની દાણાદાર ભૂખરી હગાર પોટાશ, ફૉસ્ફરસ, નાઇટ્રોજન વગેરેથી સમૃદ્ધ ખાતર આપવાનું કામ કરે છે. અળસિયાંનું ખાતર ખેતીપાકો, શાકભાજી, રોકડિયા પાકો, બાગાયતી પાકો તથા ફૂલ-છોડ માટે ઉપયોગી છે. આ ઉપરાંત કેટલાંક ઉપયોગી યોગ્ય જૈવિક ખાતરોનો ખેતીમાં વપરાશ કરવાથી ઊંચી કિંમતનાં રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડીને જમીનની ઉત્પાદક્તા અને ફળદ્રૂપતા જાળવી શકાય છે. ખેતરના દરેક સ્થાને પાકની ફેરબદલીનું આયોજન કરવાથી જે તે પાકના હાનિકારક વિશિષ્ટ કીટકોનો વધારો થતો અટકે છે અને જમીનમાંથી અમુક જ ખનિજોનું વધારે પડતું શોષણ પણ અટકે છે. મગ, ચોળા, વાલ જેવા કઠોળ પાકો નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશ જેવાં પોષક ખનિજોનો તેમના મૂળ પર આવેલી ગાંઠોમાં સંચય કરી જમીનની ફળદ્રૂપતાની જાળવણી કરે છે. આજે વિશ્વમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરેની ઝેરી અસરોને કારણે આરોગ્યને નુકસાન થતું અટકાવવા સજીવ ખેતીને અપનાવવામાં આવી રહી છે. આરોગ્ય પ્રત્યેની વધતી જતી લોકજાગૃતિને પગલે સજીવ ખેતી પ્રત્યે ખેડૂતોનો લગાવ વધી રહ્યો છે. ગુજરાતમાં પણ આજે અંદાજે પાંચ હજાર હૅક્ટર જમીનમાં સજીવ ખેતી થઈ રહી છે. છસ્સોથી વધુ ખેડૂતો સજીવ ખેતી કરી રહ્યા છે. રાજ્યમાં વર્ષે સજીવ ખેતીનું રૂ. દસ કરોડથી વધુ ઉત્પાદન થાય છે. અમદાવાદ જેવા શહેરમાં પણ સજીવ ખેતીની નીપજોનાં વેચાણકેન્દ્રો શરૂ થયાં છે અને સજીવ ખેતીને લગતા મેળા ભરાતા થયા છે. ભારતમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, મિઝોરમ, મધ્યપ્રદેશ સહિત આઠ રાજ્યોમાં સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે રાજ્યસરકારોએ સજીવ ખેતીની નીતિ અમલી બનાવી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

શુભ્રા દેસાઈ