જ. ૧ જાન્યુઆરી, ૧૮૯૪ અ. ૪ ફેબ્રુઆરી, ૧૯૭૪
ભૌતિકશાસ્ત્રના જગવિખ્યાત વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ ૧૯૧૩માં કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એસસી., ૧૯૧૫માં પ્રથમ વર્ગમાં એમ.એસસી. થયા. ૧૯૧૬માં એ જ યુનિવર્સિટીમાં લેક્ચરર નિમાયા. ભૌતિકવિજ્ઞાનના પ્રશ્નોમાં ગણિતનો ઉપયોગ કરી સંશોધન કરવામાં તેમને ભારે રસ હતો. ૧૯૨૦માં એમણે પ્રો. મેઘનાદ સહાના સહયોગમાં આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના પુસ્તકનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. ૧૯૨૧માં તેઓ ઢાકા યુનિવર્સિટીમાં રીડર તરીકે નિમાયા. અહીં તેમણે નવી સંશોધનપ્રવૃત્તિ શરૂ કરી. મૅક્સ પ્લૅન્કના જાણીતા ‘પ્લૅન્ક નિયમ’ની મૌલિક સાબિતી આપતો એક નિબંધ લખી આઇન્સ્ટાઇનની મદદથી ભૌતિકવિજ્ઞાનના અગ્રિમ માસિકમાં છપાવ્યો. ૧૯૨૪-૨૫માં માદામ ક્યૂરી સાથે કામ કર્યું અને ૧૯૨૫-૨૬માં બર્લિનમાં તેઓ આઇન્સ્ટાઇન ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયા. અહીં આઇન્સ્ટાઇન સાથે કામ કરી ‘બોઝ-આઇન્સ્ટાઇન’ નામનો પ્રાથમિક કણોના કેટલાક ગુણધર્મો બતાવતો નૂતન સિદ્ધાંત પ્રસિદ્ધ કર્યો. ૧૯૫૬થી ૫૮ સુધી વિશ્વભારતી યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરપદે રહ્યા. તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના અને ૧૯૫૮માં રૉયલ સોસાયટી-લંડનના પણ ફેલો હતા. ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના તથા નૅશનલ ફિઝિકલ લૅબોરેટરીના તેઓ લાંબા સમય સુધી અધ્યક્ષ હતા. રાજ્યસભામાં પણ તેમની નિયુક્તિ થઈ હતી. આ ઉપરાંત ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના તેઓ બે વખત પ્રમુખ બન્યા હતા. તેઓ માનતા કે વિજ્ઞાન માતૃભાષા દ્વારા શીખવવું જોઈએ. આથી ૧૯૪૮માં ‘બંગીય વિજ્ઞાન પરિષદ’ નામની સંસ્થા સ્થાપી. ‘જ્ઞાન-ઓ-વિજ્ઞાન’ નામનું બંગાળી જર્નલ પ્રકાશિત કરી ઘણા લેખો લખેલા. તેમની સ્મૃતિમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે પ્રશંસાત્મક કાર્ય કરનારને પ્રતિવર્ષ ‘સત્યેન્દ્રનાથ બોઝ સ્મારક પુરસ્કાર’ આપવામાં આવે છે. ભારતની અનેક યુનિવર્સિટીઓએ તેમને માનાર્હ ડૉક્ટરની પદવી આપી હતી. ૧૯૫૮માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી સન્માન્યા હતા.
રાજશ્રી મહાદેવિયા