જ. ૧૯ એપ્રિલ, ૧૯૨૫ અ. ૧૯ ઑગસ્ટ, ૨૦૧૫

ગુજરાત રાજ્યના કૉંગ્રેસ પક્ષના નેતા સનત મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના જેસર ગામમાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી સ્નાતક થયા. કૉલેજકાળ દરમિયાન ૧૯૪૧માં ભાવનગર સ્ટુડન્ટ્સ યુનિયનની આગેવાની કરી હતી. ‘ભારત છોડો’ ચળવળમાં ભાગ લેવા બદલ જેલવાસ પણ ભોગવ્યો હતો. રામમનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓનો તેમના ઉપર ખૂબ પ્રભાવ હતો. ૧૯૫૮માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના કાઉન્સિલર તરીકે ચૂંટાયા. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. ૧૯૭૨થી ૧૯૭૪ સુધી ગુજરાત રાજ્યનો શ્રમમંત્રીનો હોદ્દો સંભાળ્યો. ૧૯૮૦થી ૧૯૮૫ સુધી કૅબિનેટ મંત્રી તરીકે નાણાખાતું સંભાળ્યું. ૧૯૯૦માં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના ચૅરમૅનપદે નિયુક્ત થયા. અલંગ શિપ બ્રેકિંગની સ્થાપના કરવા પાછળ તેમનો મહત્ત્વનો ફાળો હતો. ૧૯૯૬માં તેઓ સુરેન્દ્રનગરમાંથી લોકસભાની બેઠક પર ચૂંટાયા હતા. ૧૯૯૯માં રાજકારણમાંથી નિવૃત્તિ લીધી અને સમાજસેવા સાથે જોડાયા. તેમણે ખેડૂતો, આદિવાસી અને અગરિયા માટે ખૂબ કામ કર્યું હતું. ‘શ્રમિક વિકાસ સંસ્થાન’ અને ‘ભારતીય કિસાન સંઘ’ જેવી સામાજિક સંસ્થાઓ સાથે તેઓ કાર્ય કરતા હતા. બાંગ્લાદેશની ગ્રામીણ બૅન્કના મૉડલ ઉપરથી તેમણે ગુજરાતમાં ગ્રામીણ વિકાસ બૅન્કની રચના કરી હતી. ૨૦૦૧માં નૅશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ ફરી તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો. નિરમા દ્વારા ઊભો કરવામાં આવેલા સિમેન્ટ પ્લાન્ટની સામે કનુ કલસારિયા દ્વારા ચલાવાયેલી ચળવળમાં તેમણે સાથ આપ્યો હતો. તે ઉપરાંત મહુવા નજીક મીઠી વીરડી પાસે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ નાખવા સામે તેમણે વિરોધ નોંધાવ્યો હતો.
અમલા પરીખ