સમસ્યા સૂતેલાં સાહસ અને


ધૈર્યને જગાડે છે ——————–

જીવનમાં આવતી સમસ્યાના સિક્કાની એક બાજુ વેદના છે, તો બીજી બાજુ પડકાર છે. સિક્કાની માત્ર વેદનાની બાજુએ જ જોતો માનવી એ સમસ્યાના દુ:ખથી ઘેરાઈ જાય છે, પણ જો સિક્કાની બીજી બાજુ સમા પડકારનો વિચાર કરશે તો એને અહેસાસ થશે કે આ સમસ્યા એને માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે. સમસ્યા અંગે ઊંડાણથી વિચારતાં ખ્યાલ આવશે કે આ સમસ્યા એ અવરોધ નથી, પરંતુ અવસર છે. સમસ્યાનો સામનો કરતી વખતે માનવીનું વ્યક્તિત્વ ખીલી ઊઠે છે. એને ખુદને ખબર ન હોય એવા કેટલાય શક્તિસ્રોતનો એ અનુભવ કરે છે. એનામાં મુશ્કેલીઓ સામે ધૈર્ય રાખવાની એવી શક્તિ પ્રગટ થાય કે તે અંગે એ સ્વયં આશ્ચર્ય અનુભવે છે. માનવીના ગુણનું પ્રાગટ્ય આવી કસોટીના સમયમાં થતું હોય છે અને એ અગ્નિપરીક્ષામાં તપાઈ તપાઈને એના વ્યક્તિત્વનું સુવર્ણ બહાર આવતું હોય છે, આથી જ પ્રત્યેક સંકટ વ્યક્તિમાં એક નવી વ્યક્તિ સર્જે છે, નવી શક્તિ જગાડે છે, નવા વિચારો આપે છે અને એને પરિણામે આ સમસ્યાઓ જ વ્યક્તિના વ્યક્તિત્વનું રૂપાંતર કરતી હોય છે. સમસ્યાને કારણે ભયભીત થઈને પલાંઠી વાળીને બેસી રહેલો માનવી જ્યારે એનો સામનો કરે છે ત્યારે એનામાં ભયના સીમાડા ઓળંગવાની શક્તિ ઊભી થાય છે. એનાં સુષુપ્ત સાહસ અને ધૈર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે અને ક્યારેક તો એ સ્વયં એના ભીતરની આ તાકાત જોઈને આશ્ચર્ય અનુભવે છે ! જે સમસ્યા માર્ગમાં અવરોધરૂપ પથ્થર લાગતી હતી, તે વિકાસનું પગથિયું બની જાય છે, કારણ કે વ્યક્તિ એ સમસ્યાનાં મૂળ સુધી જાય છે. સ્વસ્થ ચિત્તે એનાં કારણો તપાસે છે અને એનું નિવારણ કરવાના પ્રયત્નોમાં એના ભીતરમાં રહેલું દૈવત પ્રગટ થાય છે.

કુમારપાળ દેસાઈ