સામાન્ય રીતે વિશાળ ગોળાકાર તંબુમાં પ્રેક્ષાગારમાં બેઠેલા લોકોના મનોરંજન માટે તેમની વચ્ચેના વર્તુલાકાર પટાંગણમાં હેરતભર્યા જોખમી અંગકસરત તેમ જ અંગસંતુલનના તથા પ્રાણીઓ સાથેના ખેલપ્રયોગો રજૂ કરનારા ખેલબાજો અને હાસ્યજનક ચેષ્ટાઓ તથા પ્રયોગોથી લોકોને રમૂજ કરાવનારા જોકરો વગેરેનું મનોરંજક મંડળ. ખેલપ્રયોગોનું મંચનસ્થળ ગોળાકાર હોવાથી આનું નામ (circle પરથી circus) ‘સરકસ’ પડ્યું. ૧૮મી સદીમાં લંડનમાં ઘોડેસવારી તથા અંગકસરતના ખેલથી સરકસની શરૂઆત થઈ. ત્યારબાદ અમેરિકામાં તેનો ખૂબ વિકાસ થયો અને પ્રેક્ષકો તરફથી તેને સારો પ્રતિસાદ મળતો ગયો. સરકસ માટે મોટા મેદાનમાં કે નદીના પટમાં તંબુ તાણવામાં આવતા. તંબુની વચ્ચે ગોળાકાર મંચ પર સરકસના ખેલ ભજવાતા, જે ગોળાકાર પટાંગણની ફરતે બેઠેલા પ્રેક્ષકો માણતા. સૌપ્રથમ પરેડ થતી. તેમાં કલાકારો મેદાનમાં આવી ચપળતા, સરળતા તથા ઝડપથી અંગસરતના ખેલો બતાવતા. પરેડમાં સરકસનાં બધાં પ્રાણીઓ અને વિદૂષકો પણ જોડાતાં. સમય જતાં સરકસમાં બૅન્ડ ઉમેરાયું. સરકસમાં ઊંચે બાંધેલા ઝૂલાના ખેલ શરૂ થયા. કલાકારો તાલ સાથે પોતાની અંગકલાનો આકર્ષક સુમેળ સાચવી શકતા થયા.

વિદૂષકો(જોકરો)નું વૃંદ પણ સરકસનું એક અનિવાર્ય આકર્ષક અંગ હોય છે. બાળકોને ગમે તેવી વેશભૂષા સાથે વિદૂષકો આવતા હોય છે. મોટા ગોળ નાકવાળો તેમનો ચહેરો પણ બાળકોને રમૂજ પ્રેરે છે. આ વિદૂષકો આડાઅવળા ફરે, હાલતાંચાલતાં પડી જાય, દીવાલ રંગવાને બદલે એકબીજાને રંગી દે, એકબીજાની પાછળ દોડી ધમાચકડી મચાવી જાતભાતની હાસ્યાસ્પદ ચેષ્ટાઓથી આબાલવૃદ્ધ સૌને હસાવતા રહે. વિદૂષકોના ખેલ સરકસમાં સામાન્ય રીતે અંગકસરતના ખેલોમાં વચ્ચે વચ્ચે આવતા હોય છે. દરમિયાન બીજા મહત્ત્વના –મોટા ખેલોની સાજસજાવટ આદિની પૂર્વતૈયારી પણ કરી દેવામાં આવતી હોય છે. વળી વિદૂષક પ્રેક્ષકોને મઝા કરાવવા સાથે પોતાના સાથી ખેલબાજોને મદદ કરવાનું કામ પણ કરતા હોય છે. કોઈ ખેલબાજ જ્યારે ખેલ બતાવે ત્યારે તેને સુરક્ષા આપવાનું કામ પણ વિદૂષક કરતા હોય છે. ૧૮૮૦માં ભારતમાં વિષ્ણુપંત ચાત્રેએ પ્રથમ સરકસ શરૂ કર્યું હતું. તેનું નામ ‘ધ ગ્રેટ ઇન્ડિયન સરકસ’ રાખ્યું હતું. ભારતમાં જૈમિની સરકસ, જંબો સરકસ, પ્રભાત સરકસ, કમલા સરકસ, ગ્રેટ ગોલ્ડન સરકસ વગેરેનાં નામ મોખરે રહ્યાં છે. દક્ષિણ ભારતમાંથી સરકસમાં કામ કરવા માટે ઘણા ખેલકારો આવતા રહ્યા છે. ચીન, રશિયા, પૂર્વ યુરોપ અને અમેરિકામાં પણ સરકસના ખેલ સારી રીતે પ્રચલિત થયેલા છે. સરકસ ઉપર ‘મેરા નામ જોકર’ જેવી કેટલીક ફિલ્મો પણ બની છે.
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સરકસ (સર્કસ), પૃ. 33)
અંજના ભગવતી