સરગવો


ઔષધીય ગુણો ધરાવતી દ્વિદળી વર્ગમાંની એક વનસ્પતિ.

સરગવાનાં વૃક્ષો મયમ કદનાં હોય છે. તેની ઊંચાઈ ૪.૫થી ૧૦ મીટર સુધીની હોય છે. તેનું થડ ૩૦થી ૬૦ સેમી.નો વ્યાસ ધરાવે છે. સરગવાની છાલનો રંગ ભૂખરો હોય છે. પાન આમલી જેવાં પણ ઘણાં મોટાં હોય છે. લાકડું ખૂબ જ પોચું હોવાથી ઇમારતી કામમાં આવતું નથી. સરગવો સફેદ, કાળા અને લાલ રંગનાં ફૂલોવાળો —એમ ત્રણ જાતનો થાય છે. તેનાં ફૂલોમાંથી મધના જેવી સુગંધ આવે છે. સરગવાની શિંગોની લંબાઈ ૨૨.૫થી ૫૦ સેમી. સુધીની હોય છે. તેનો રંગ લીલો અને ત્રિકોણાકાર હોય છે. શિંગોની ઉપરની છાલ કઠણ હોય છે અને તેમની અંદર સફેદ રંગનો ગર્ભ હોય છે. તેમાં ત્રિકોણાકાર પાંખોવાળાં બીજ હોય છે. સરગવાને મહા-ફાગણ માસમાં ફૂલો અને ચૈત્ર-વૈશાખમાં શિંગો આવે છે. સરગવાનાં વૃક્ષો ભારતભરમાં સર્વત્ર થાય છે. તેનાં વૃક્ષો બાગ-બગીચા, ખેતરો અને વાડીઓમાં તેમ જ ઠેર ઠેર જોવા મળે છે. સફેદ ફૂલોનો સરગવો લગભગ સર્વત્ર થાય છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના જૂનાગઢના વિસ્તારના સમુદ્ર-કિનારાના પ્રદેશમાં સરગવો સારો થાય છે. તે કઠણ માટી (clay) સિવાયની બધા પ્રકારની જમીનમાં થાય છે. તેને દક્ષિણ ભારતની ઉષ્ણકટિબંધીય દ્વીપીય (insular) આબોહવા સૌથી અનુકૂળ છે. આ વૃક્ષનું પ્રસર્જન બીજ અને કલમો દ્વારા થાય છે. સરગવાની વધુ જાણીતી જાતોમાં જાફના, ચવકચેરી, ચેમુંરુંગાઈ, કટુમુરુંગાઈ, કોડીકાલ મુરુંગાઈ, યઝપાનામ સરગવો તથા પીકેએમ. ૧નો સમાવેશ થાય છે.

સરગવાના વૃક્ષના બધા જ ભાગ ઉપયોગમાં લેવામાં આવે છે. શાક અને સૂપ બનાવવા માટે શિંગો ઉપયોગમાં આવે છે. તેના ઝાડનો ગુંદર શરૂઆતમાં સફેદ રંગનો પણ પછી તે ઘટ્ટ લાલ રંગનો કાળાશ પડતો થાય છે. આ ગુંદર કાપડ છાપવાના રંગમાં વપરાય છે; તે ખાવામાં વપરાતો નથી. સરગવાનાં બીજમાંથી કાગળ ચોંટાડવાનો ગુંદર બને છે. તે ખૂબ સ્વચ્છ અને સફેદ હોય છે. નાના વૃક્ષનાં મૂળ અને તેની છાલથી ચામડી લાલ થઈ જાય છે અને ફોડલા પડે છે. પર્ણો વિટામિન ‘A’ અને ‘C’ ધરાવે છે. તેનો મલમ ઘા ઉપર લગાડવામાં આવે છે. તેનાં પુષ્પો શક્તિદાયક, મૂત્રલ (diuretic) અને પિત્તરેચક તરીકે વપરાય છે. તેનાં બીજનું તેલ સંધિવા અને ગાંઠિયા વા પર લગાડવામાં આવે છે. સરગવાનાં સૂકાં બીજોમાંથી ૩૫થી ૪૦ ટકા તેલ મળે છે, જે સ્વચ્છ અને પાતળું હોય છે. તેનો સુગંધી તેલો બનાવવામાં ખૂબ જ ઉપયોગ થાય છે. સરગવો ભૂખ લગાડે છે અને પચવામાં હલકો હોય છે. તે સ્કર્વી અને શરદીના રોગોમાં ઉપયોગી છે. તેનાં બીજ કડવાં હોય છે અને તાવ મટાડે છે. તે ઝાડાને રોકે છે. તે વીર્યવર્ધક અને હૃદય માટે લાભદાયી છે, પણ લોહી બગાડે છે. તે આંખ માટે હિતકારી અને કફ, વાયુ, જખમ, કૃમિ, ચળ, સોજો, મોંની જડતા, ચરબી, બરોળ, કોઢ અને ક્ષયના રોગોમાં ફાયદાકારક છે. આમ સરગવાના બધા જ ભાગો ઔષધીય ગણાય છે અને અનેક રોગો મટાડવામાં તેનો ઉપયોગ કરાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અમલા પરીખ