સરળ બનવું, તે સૌથી અઘરું છે


સત્ય બે-પરવા હોય છે. એ કોઈથી પ્રભાવિત થતું નથી કે કોઈનું શરણું સ્વીકારતું નથી. એને કોઈ અપેક્ષા હોતી નથી કે મનમાં કોઈ મહત્ત્વાકાંક્ષા સંઘરી રાખતું નથી. જેમ મહત્ત્વાકાંક્ષા આવે તેમ માનવીને બીજા આધારો અને અન્ય સહારા લેવા પડે છે. એને પરિણામે ક્યાંક પ્રપંચ તો ક્યાંક પ્રલોભન એને સત્યના માર્ગેથી ચલિત કરે છે. એ અહંકાર કે આડંબરથી જીવવા લાગે છે અને ધીરે ધીરે પોતાના હૃદયમાં અસત્યનો સંગ્રહ કરવા લાગે છે. અસત્યનું એક ટીપું ક્રમશ: સરોવર કે સાગરનું રૂપ ધારણ કરે છે. સત્યનો અનુભવ પામવો હોય તો આકાશ જુઓ. એ કોઈના આધારે ઊભું નથી અને કોઈની મહેરબાનીનું મોહતાજ નથી. સત્યપ્રાપ્તિનું પહેલું સોપાન સરળતા છે. જીવનમાં વ્યક્તિએ સતત એ ખોજ કરવી જોઈએ કે એના જીવનમાં કેટલી સરળતા છે ? સત્યનો નિવાસ સરળ અંત:કરણ છે. સંતો અને વિભૂતિઓનાં જીવનમાં અંત:કરણની સરળતા દૃષ્ટિગોચર થાય છે. વર્તમાન સમયે પોતાના જીવનમાં સરળતાની વૃદ્ધિ થાય છે કે સરળતા ક્ષીણ થતી જાય છે ? જો સરળતાની વૃદ્ધિ થતી હોય તો માનવું કે જીવનયાત્રા યોગ્ય દિશામાં ગતિમાન છે. જો સરળતા ક્ષીણ થતી હોય તો જાણવું કે અસત્યને આવકાર આપવા આપણે આતુર બની ગયા છીએ અને એ અસત્ય આવતાં દુ:ખ, દ્વેષ, ક્લેશ અને સંતાપ એની પાછળ વાજતે-ગાજતે આવી રહ્યાં છે. માનવી ચહેરા પર મુખવટો રાખીને જીવે છે અને ભીતરની સચ્ચાઈને ભૂલીને શકુનિની જેમ પ્રપંચની ચોપાટ ખેલે છે. પોતાના પાસા પોબાર પડે તે માટે એ મહાભારતને મોજથી આવકારીને મીઠું માને છે.

કુમારપાળ દેસાઈ