બધી બાજુએથી ભૂમિ દ્વારા ઘેરાયેલું કુદરતી જળાશય.
સરોવર મોટા ભાગે તો બધી બાજુએથી જમીનથી બદ્ધ થયેલું હોય છે, પરંતુ કેટલાંક સરોવરોમાં ઝરણાં કે નદી દ્વારા જળ-ઉમેરણ અને તેમાંથી જળ-નિર્ગમન થતું હોય છે. નાનાથી માંડીને દરિયા જેવડાં મોટા કદનાં સરોવર પણ હોય છે. કેટલાંક સરોવરો પર્વતોની ઊંચાઈ પર (દા.ત., ટિટિકાકા સરોવર) તો કેટલાંક ભૂમિસપાટી પર (દા.ત., નળસરોવર) આવેલાં હોય છે. પૃથ્વીના તળ પર આવેલ ગર્ત, ખાડા કે થાળામાં પાણીનો પૂરતો પુરવઠો જમા થાય ત્યારે ત્યાં સરોવર રચાય છે. સરોવર બે પ્રકારનાં હોય છે : મીઠા (સ્વચ્છ) જળનાં અને ખારા જળનાં. જે સરોવરથાળામાં મળી રહેતા જળપુરવઠાના પ્રમાણમાં બાષ્પીભવનનું પ્રમાણ વધારે રહેતું હોય ત્યાં કાળક્રમે ક્ષારોનું પ્રમાણ વધી જાય છે, પરિણામે એવા સરોવરનું પાણી ખારું બની જાય છે. ક્યારેક પવનને લીધે મીઠાના કે ક્ષારના રજકણો ઊડીને સરોવરમાં પડ્યા કરતા હોવાથી સરોવરનું પાણી ખારું બની જાય છે. સૂકા પ્રદેશોના સરોવરમાં જળઆવક ઓછી હોય અને બાષ્પીભવન વધારે થતું રહેતું હોય તો તેનું પાણી ખારું થઈ જાય છે. કેટલાંક છીછરાં સરોવરો તો બાષ્પીભવનથી સૂકાં થાળાં બની રહે છે; પરંતુ ચોમાસા દરમિયાન તેઓ પાણીથી ભરાય છે. આથી ઊલટું, ભેજવાળા પ્રદેશમાંનાં સરોવર મીઠા પાણીનાં હોય છે, કારણ કે ત્યાં બાષ્પીભવનનું પ્રમાણ ઓછું હોય છે.

દાલ સરોવર
સરોવરની તેની આજુબાજુના પ્રદેશની આબોહવા તથા તેના લોકજીવન પર અસર થાય છે. સરોવરને લીધે તેની આજુબાજુના વિસ્તારમાં ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડી ઓછી લાગે છે. સરોવરના જળનો ઉપયોગ માણસોની અવરજવર, માલસામાનની હેરફેર માટે થાય છે. એ રીતે વેપાર-વાણિજ્યના જળમાર્ગ તરીકે તેની ઉપયોગિતા જોવા મળે છે. સરોવરની આસપાસ વસતા લોકો મનોરંજન અર્થે સરોવરનો લાભ લે છે. સરોવરમાં નૌકાવિહાર, માછીમારી, વૉટર-સ્કેટિંગ વગેરે થઈ શકે છે. સરોવરમાં વિવિધ જાતની વનસ્પતિ તથા કાચબા, મગર, માછલી, દેડકાં જેવાં પ્રાણીઓ રહેતાં હોય છે. ત્યાં યાયાવર પક્ષીઓ મુલાકાતે આવે છે. ભારતના વિશાળ ભૂભાગમાં અનેક સરોવરો આવેલાં છે; જેમ કે, દાલ સરોવર, વુલર સરોવર, પૅંગોગ, નૈનિતાલ, ચિલ્કા, કોલેરુ સરોવર, પુલિકટ સરોવર, પેરિયાર સરોવર, નળ સરોવર, સાંભર સરોવર અને લોણાર સરોવર.
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સરોવર, પૃ. ૪૨)
અંજના ભગવતી