‘સર્વનો ઉદય, સર્વનું કલ્યાણ’ એવા ગાંધીમાર્ગી આચાર-વિચારની પ્રણાલી. ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી ‘सर्वे¶त्र सुखिनः सन्तु ।’ (અહીંયાં સૌ સુખી થાઓ) અને ‘सर्वभूतहिते रताः ।’ (સૌ પ્રાણીઓનું કલ્યાણ થાઓ)ની ભાવના વણાયેલી છે. તે ઉપરાંત ‘वसुधैव कुटुम्बकम्’ – ધરતી પરની સકળ સૃષ્ટિ એક જ પરિવાર છે –એવી ભાવના પણ પ્રચલિત છે. ૧૯૦૮માં જ્યારે રસ્કિનના પુસ્તક ‘Unto This Last’નો ગાંધીજીએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પ્રગટ થયો ત્યારે તેના મથાળા માટે ગાંધીજીએ ‘સર્વોદય’ શબ્દ પ્રયોજ્યો. ‘સર્વોદય’ એટલે સર્વનો ઉદય, સૌનું કલ્યાણ. સર્વોદયની ભાવના નવી નથી. સર્વોદયની ભાવના આ દેશની સંસ્કૃતિના મૂળમાં જ છે. રસ્કિનના પુસ્તકમાંથી ગાંધીજીને જીવનનું એક નવું દર્શન લાધ્યું. આ પુસ્તકના સારરૂપ એમણે નીચેના સિદ્ધાંતો તારવી બતાવ્યા : (૧) સહુના ભલામાં આપણું ભલું છે. (૨) સહુના કામની કિંમત એકસરખી હોય, કેમ કે જીવનનિર્વાહનો અધિકાર સહુનો એકસરખો છે. (૩) સાદું, શ્રમનું, ખેડૂતનું જીવન એ જ સાચું જીવન છે.

વિનોબા દ્વારા શરૂ કરાયેલ ભૂદાનયજ્ઞ
આ રીતે ‘સર્વોદય’ એક નવી વિચારધારાનો દ્યોતક શબ્દ બન્યો. સર્વનો ઉદય, વધુનો કે માત્ર છેલ્લાનો નહિ. રસ્કિનનું વિચારબીજ ગાંધીજીની મનોભૂમિમાં, કર્મભૂમિમાં વિકસતું રહ્યું અને જ્યારે એ પરિપક્વ થયું ત્યારે ‘સર્વોદય’ના મંત્ર રૂપે પ્રગટ થયું. સર્વોદયી સમાજરચનાનું સ્વરૂપ કેવું હોય તેની રૂપરેખા સંક્ષેપમાં ‘હિંદ સ્વરાજ’માં મળે છે. ગાંધીજીએ નવા યુગમાં ‘સર્વોદય’નો વધારે ઉચિત અર્થ કરી બતાવ્યો. સમાજ અને શરીર સરખાં છે. હૃદય, મગજ, પાચનતંત્ર, શ્વસનતંત્ર, મૂત્રપિંડ વગેરે બધા જ શરીરના અવયવો અગત્યના છે. કોઈ પણ અવયવમાં ક્ષતિ આવે તો શરીરનું તંત્ર કથળે. તેવી જ રીતે ખેડૂત, શ્રમિક, સેવક, વેપારી, સૈનિક, શિક્ષક, શાસક– એ બધા સમાજના અવયવો છે. તે સર્વનું આરોગ્ય સચવાય તો જ સમાજ નીરોગી બને; તો જ તેનો બધી રીતે ઉદય– સર્વોદય થાય. સમાજના એક વર્ગના ભોગે બીજો વર્ગ તાગડધિન્ના કરી શકે નહિ. ગાંધીજી જીવનભર સર્વોદયની આ ફિલસૂફીને ચરિતાર્થ કરવા માટેનું ચિંતન, મનન અને આચરણ કરતા રહ્યા. ગાંધીજી બાદ વિનોબા દ્વારા આ દિશાનું કાર્ય આગળ વધ્યું અને તેમાંથી ભૂદાનયજ્ઞનો જન્મ થયો. વિનોબા ભાવે પોતાની આગવી પ્રતિભાથી તેનો વિકાસ કરતા રહ્યા. ૧૯૫૧ની ગાંધીજયંતીને દિવસે વિનોબાએ ૧૯૫૭ સુધીમાં દેશની કુલ ખેડાણની જમીનનો છઠ્ઠો ભાગ, અર્થાત્, પાંચ કરોડ એકર જમીન દાનમાં મેળવવાનો નિર્ધાર કરી પદયાત્રા આરંભી.
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સર્વોદય અને ભૂદાન, પૃ. ૪૬)
અમલા પરીખ