પથ્થર ઘડવાનો વ્યવસાય કરનાર.
‘સલાટ’ શબ્દને ‘શિલાકાર’, ‘શિલા-પટ્ટ’ જેવા શબ્દો સાથે સંબંધ હોવાનું જણાય છે. આમ શિલા(પથ્થર)પાટ ચીરનાર સલાટના કામને ચોસઠ કળાઓમાં વાસ્તુવિદ્યામાં સ્થાન મળ્યું છે. સલાટ પથ્થર ઘડવા ઉપરાંત મૂર્તિઓ બનાવવાનું કામ પણ કરે છે. રાજાઓના સમયમાં ગુપ્ત ભોંયરાં, ધનભંડારોનાં ગુપ્ત દ્વારો, ભુલભુલામણીવાળા ગુપ્ત માર્ગો તેમ જ મનુષ્ય અને દેવોની મૂર્તિઓ વગેરે બનાવવાનું કાર્ય સલાટો કરતા.

પથ્થર ઘડતો સલાટ
વર્તમાન સમયમાં મોટા ભાગે હિંદુ અને જૈન ધર્મનાં મંદિરો-દેરાસરો બનાવવામાં અને તેમના સમારકામ માટે સલાટની કળાનો લાભ લેવાય છે. તેઓ ઘંટીનાં પડ ટાંકવાનું અને ઘંટીઓ, ખલ, ઓરસિયા વગેરે ઘડીને વેચવાનું કામ પણ કરતા હોય છે. સલાટોમાં થેરા સલાટ એ પેટાજાતિ છે. થેરા સલાટો ઘંટીના પથ્થરો ટાંકવા એક ગામથી બીજે ગામ ફરતા રહે છે. તેઓ પોતાના કુટુંબ સાથે શહેર બહાર ઝૂંપડાં બાંધીને રહે છે. આ જાતિમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ ખૂબ ઓછું છે. થેરા સલાટો – સલાટો શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગોની યાદીમાં આવે છે. સોમપુરા સલાટોને બ્રાહ્મણ ગણવામાં આવે છે. તેઓ મંદિરો બાંધવાની પ્રવૃત્તિ કરે છે. તેમની આર્થિક સ્થિતિ અન્ય સલાટો કરતાં વધુ સારી હોવાથી તેમનો સમાવેશ આર્થિક પછાત જાતિમાં થતો નથી. ધ્રાંગધ્રા અને તેની આસપાસના સોમપુરા સલાટો જાણીતા છે. ડભોઈની હીરાભગોળ સાથે સંકળાયેલા હીરા સલાટની દંતકથા જાણીતી છે.
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી
શુભ્રા દેસાઈ