લાંબા કાન, ટૂંકી પૂંછડી અને લીસી રુવાંટી ધરાવતું સસ્તન વર્ગનું પ્રાણી. આ પ્રાણી વિશ્વના ઘણાખરા દેશોમાં મળી આવે છે. પાળેલાં સસલાં (rabbit) દેખાવે રૂપાળાં, સુંવાળાં, સામાન્ય રીતે સફેદ, કથ્થાઈ અને રાખોડી રંગ ધરાવે છે. આ પ્રાણીના ઉપલા હોઠ પર લાંબી ઊભી ફાટ હોવાથી તેના ઉપરના બે દાંત સ્પષ્ટ દેખાઈ આવે છે. જંગલી સસલાની રુવાંટી સામાન્ય રીતે પર્યાવરણમાં ભળતી કાળી બદામી અને ભૂખરી હોય છે. જંગલી સસલાને wild hare કહેવાય છે. સસલાં શાકાહારી છે. તેઓ કૂણું ઘાસ, શાકભાજી, ગાજર જેવાં વિવિધ કંદમૂળો અને અનાજના કુમળા છોડ ખાય છે. સસલું શાંત અને બીકણ પ્રકૃતિનું પ્રાણી છે. તે ઘાસનાં મેદાનોમાં અને ઝાડીઝાંખરાં અને જંગલમાં વસે છે. તે અગ્ર ઉપાંગોની મદદથી જમીનમાં લાંબું દર ખોદીને રહે છે. તે દરમાંથી બહાર આવવાના ઘણા રસ્તાઓ હોય છે, જેથી ભયના સમયે તેને છટકવાનું સહેલું પડે છે. દરમાં એક કરતાં વધારે સસલાં સાથે રહે છે. પોતાના રક્ષણ માટે અસમર્થ હોવાથી સસલું વહેલી સવારે કે મોડી સાંજે ખોરાક મેળવવા માટે દરની બહાર નીકળે છે. આ રીતે સસલું નિશાચર છે. સહેજ અવાજ થતાં તે તુરત જ દરમાં સંતાઈ જાય છે.

સસલું દોડવાને કે ચાલવાને બદલે કૂદકા મારીને પ્રચલન કરે છે. સામાન્ય સંજોગોમાં સસલાની ઝડપ ૧ કલાકના ૪ કિલોમીટર જેટલી હોય છે. ભયજનક પરિસ્થિતિમાં તે ૧ કલાકના ૩૨થી ૪૦ કિલોમીટરની ઝડપે પણ દોડી શકે છે. તે આડું-અવળું દોડી, કૂદકા લગાવી દુશ્મનથી જાન બચાવવાની કોશિશ કરે છે. કૂતરો, વરુ, રાની બિલાડો, બાજ, ગરુડ કે ઘુવડ જેવાં પ્રાણીઓ સસલાનો શિકાર કરે છે. આથી તેની વસ્તી નિયંત્રણમાં રહે છે. સસલાં ખેતીપાકો તથા શાકભાજીની વાડીઓમાં ઘણું નુકસાન કરે છે. સસલાંની વસ્તી ખૂબ ઝડપથી વધી જાય છે. માદા છ મહિનાની થાય એટલે ગર્ભાધાન કરી શકે છે. ગર્ભાધાનનો સમય ૧ મહિનાનો હોય છે, એકીવખતે ૬થી ૮ બચ્ચાંને તે જન્મ આપે છે. નરમાદાની જોડી વર્ષમાં ૪થી ૫ વાર બચ્ચાંને જન્મ આપે છે. માદા પોતાના દરમાં સૂકું ઘાસ પાથરી તેના પર પોતાના વાળ રાખી તેની સુંવાળી, હૂંફાળી ગાદી બનાવે છે. બચ્ચાં જન્મે ત્યારે ખૂબ નબળાં અને માતા પર અવલંબિત હોય છે. માદા સસલી દૂધ પિવડાવીને તેમનું જતન કરે છે. સસલાનો માંસ તથા ફર માટે શિકાર થાય છે. વળી સૌંદર્યપ્રસાધનો બનાવીને તેની અજમાયશ સસલા પર કરવામાં આવે છે અને તે પછી તેનો ઉપયોગ મનુષ્યો માટે કરાય છે. બાળકોને સસલાં પાળવાનું અને તેમની સાથે રમવાનું ગમે છે. બાળકોનાં રમકડાંમાં પણ તેનું સ્થાન ઘણું મહત્ત્વનું હોય છે. બાળવાર્તાઓમાં પણ સસલાનું પાત્ર અચૂક જોવા મળે છે.
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી
અંજના ભગવતી