પૃષ્ઠવંશી પ્રાણીઓમાંનો સસ્તન કે આંચળ ધરાવતાં અને મોટા ભાગે બચ્ચાંને જન્મ આપતાં પ્રાણીઓનો વર્ગ.
નાના કદનો ઉંદર, મોટોમસ હાથી, ઊંચું જિરાફ અને નાનું અમથું સસલું, પાણીમાં રહેતી વહેલ અને ઝાડ પર રહેતો વાંદરો, ઊડી શકતું ચામાચીડિયું અને ઝડપથી દોડતો ચિત્તો — આવાં સસ્તન પ્રાણીઓના વિવિધ પ્રકારોની સંખ્યા ૪૦૦૦થી વધારેની છે. આમાં માનવજાતનો પણ સમાવેશ થઈ જાય છે. સસ્તન પ્રાણીઓ સર્વત્ર વસે છે. વાનર અને હાથી વિષુવવૃત્તનાં જંગલોમાં, ધ્રુવીય રીંછ બરફીલા ઉત્તર ધ્રુવ પાસે, ઊંટ રણમાં તો વહેલ તથા સીલ દરિયામાં વસે છે. ઉંદર, બિલાડી, કૂતરાં જેવાં કેટલાંક પ્રાણીઓ માનવ-વસવાટ પાસે તો ચિત્તા, વાઘ, મનુષ્યથી દૂર જંગલમાં વસે છે. બ્લૂ વહેલ નામનું જળચર પ્રાણી સૌથી મોટું સસ્તન પ્રાણી છે. વહેલ ૩૦ મીટર લંબાઈ અને ૨૦૦ ટન જેટલું વજન ધરાવે છે. નાનામાં નાનું સસ્તન પ્રાણી તે ૨ ગ્રામ વજન ધરાવતું ચામાચીડિયું છે.

સસ્તન પ્રાણીઓની ઘણી વિશિષ્ટતાઓ હોય છે; જેમ કે, સસ્તન પ્રાણીઓ કરોડસ્તંભ ધરાવે છે. તેઓને ફેફસાં હોય છે, જેમના વડે તેઓ શ્વાસોછવાસની ક્રિયા કરે છે. સસ્તન પ્રાણીઓ પોતાના શરીરનું તાપમાન નિયંત્રિત કરી શકે છે. તેમનાં શરીર પર રુવાંટી કે ફરનું આવરણ હોય છે. સસ્તન પ્રાણીઓની માદાઓ બચ્ચાંને જન્મ આપે છે અને પોતાના દૂધથી તેમને પોષે છે. સસ્તન પ્રાણીઓને બીજાં પ્રાણીઓની સરખામણીમાં મોટું મગજ હોય છે. ચિમ્પાન્ઝી, ડૉલ્ફિન તથા મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી ગણાય છે. ગાય, ભેંસ, બકરી, ઘોડો જેવાં સસ્તન પ્રાણીઓ ફક્ત વનસ્પતિ ખાય છે, જ્યારે બીજાં કેટલાંક સસ્તન પ્રાણીઓ અન્ય પ્રાણીઓ પર નભે છે; દા. ત., સિંહ, વાઘ, ચિત્તો. કેટલાંક સસ્તન પ્રાણીઓ ઉભયાહારી છે. તે વનસ્પતિ અને માંસ બંનેય ખાય છે. સસ્તન માદાના ગર્ભાશયમાં બચ્ચાંનો વિકાસ થયા પછી તેમનો પ્રસવ થાય છે. તે બચ્ચાં માદાનું દૂધ પીને પોષણ પામે છે. સસ્તન પ્રાણીઓ, ઉભયજીવી સરીસૃપ જેવાં પ્રાણીઓની સરખામણીમાં ઓછાં બચ્ચાંને જન્મ આપે છે. તેઓ બચ્ચાંની કાળજી કરે છે. તેઓ સ્વતંત્ર રીતે રહી શકે ત્યાં સુધી પોતાની સાથે રાખે છે. કાંગારું જેવાં સસ્તન પ્રાણીઓ ખૂબ નાના કદના બચ્ચાને જન્મ આપે છે. જન્મ બાદ બચ્ચું તેની માના પેટમાં આવેલ કોથળીમાં જતું રહે છે અને એ કોથળીમાં દૂધ પી તેનો પૂર્ણ વિકાસ થાય ત્યાં સુધી રહે છે. અમુક જાતનાં સસ્તન પ્રાણીઓ — પ્લૅટિપસ (બતક-ચાંચ) અને કાંટાળું કીટીખાઉ ઈંડાં મૂકે છે, તેમાંથી બચ્ચાંનો જન્મ થાય છે. સીલ, વહેલ, ડ્યુગોંગ, દરિયામાં રહેતાં સસ્તન પ્રાણીઓ છે. ૧૬.૪ કરોડ વર્ષો પહેલાં સસ્તન પ્રાણીઓ હયાત હતાં. તેઓ ડાયનોસૉર સાથે અસ્તિત્વ ધરાવતાં હતાં. ત્યારબાદ ડાયનોસૉરના સામૂહિક વિનાશ પછી તેઓનો વિકાસ થયો.
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી
અંજના ભગવતી