દુનિયાનું સૌથી મોટું આફ્રિકામાં આવેલું રણ.
અરબી ભાષામાં ‘સહરા’નો અર્થ ‘ખાલી ભૂખરો પ્રદેશ’, અર્થાત્, ‘રણપ્રદેશ’. એક સમયે આ પ્રદેશ ઉજ્જડ પણ ન હતો અને ભૂખરો પણ ન હતો. આશરે ૬૦ હજાર વર્ષ પહેલાં તે હરિયાળો હતો, ત્યાં નદીઓ વહેતી હતી અને જંગલો પણ હતાં. ત્યાં મનુષ્યો ગુફાઓમાં રહેતા હતા. યુરોપમાં છેલ્લા હિમયુગનો અંત આવ્યો ત્યારથી સહરાનો પ્રદેશ સુકાવા માંડ્યો. પ્રાણીઓ અને તેમની પાછળ માણસો તેનો મધ્યનો પ્રદેશ છોડીને સમુદ્ર અને નદીઓના કિનારા તરફ સ્થળાંતર કરવા માંડ્યાં. આજથી બે હજાર વર્ષ પહેલાંના સમય સુધી લોકો રણના આક્રમણ સામે ઝૂઝતા રહ્યા. આખરે તેમણે પરાજય સ્વીકારી લીધો.
આફ્રિકા ખંડના ઘણાખરા ઉત્તર ભાગને આવરી લેતું આ રણ દુનિયાનું મોટામાં મોટું રણ છે. તે ઉત્તર આફ્રિકાના પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચેના ૯૦ લાખ ચોકિમી.ના વિસ્તારમાં ફેલાયેલું છે. સહરાનું રણ ઉત્તર આફ્રિકાની આરપાર આટલાંટિક મહાસાગરથી બીજી તરફ રાતા સમુદ્ર સુધી વિસ્તરેલું છે. તે પશ્ચિમના બધા ભાગોમાં, પૂર્વમાં આખું ઇજિપ્ત, ઉપરાંત અલ્જિરિયા, મોરોક્કો, સુદાન, લિબિયા, ટ્યૂનિસિયા, નાઇજર, ચાડ, માલી વગેરેના મોટા ભાગોમાં પથરાયેલું છે.

સહરાનું રણ ફક્ત રેતીનું સપાટ રણ નથી. તેના મધ્યભાગમાં પર્વતો અને ઊંચાણવાળા પ્રદેશો છે. ચાડમાં આવેલા તિબેસ્તી પર્વતોની ઊંચાઈ ૩,૪૧૫ મીટર જેટલી છે. સહરાનો ઘણોખરો વિસ્તાર વેરાન, ખડકાળ, ઉચ્ચપ્રદેશોવાળો અને મરડિયાયુક્ત મેદાનોથી બનેલો છે. બાકીનું સહરા રેતીના અફાટ વિસ્તારોનું બનેલું છે. રેતીના આ વિસ્તારોને ‘અર્ગ’ (erg) કહેવામાં આવે છે. રણના કેટલાક ભાગમાં રેતીના ઢૂવા (sand-dunes) પણ જોવા મળે છે. પવન દિશા બદલે એટલે ઢૂવાના આકાર પણ બદલાઈ જાય. આજે જ્યાં રેતીનો ઊંચો ડુંગર હોય ત્યાં આવતી કાલે સપાટ મેદાન હોય ! સહરાના રણમાં ઓછામાં ઓછા ૯૦ રણદ્વીપો છે. ત્યાંના કસબાઓમાં લોકો રહે છે અને ખેતી કરે છે. નાના રણદ્વીપોમાં એકાદ-બે કુટુંબો જ વસે છે. સહરાના રણના લિબિયા અને અલ્જિરિયાના પ્રદેશોમાં ભૂગર્ભમાં ખનિજતેલ અને કુદરતી વાયુના વિશાળ ભંડારો આવેલા છે. તે ઉપરાંત અહીં તાંબું, લોહ-અયસ્ક તથા ફૉસ્ફેટના નિક્ષેપો, યુરેનિયમ અને અન્ય ખનિજો મળી આવે છે. સહરાના રણપ્રદેશમાં આબોહવા ગરમ અને સૂકી રહે છે. સરેરાશ વરસાદ ૨૦૦ મિમી.થી ઓછો પડે છે. રણના બીજા ભાગો કરતાં પહાડી પ્રદેશોમાં થોડો વધુ વરસાદ પડે છે. પહાડોની ટોચ પર ક્યારેક હિમવર્ષા પણ થાય છે. સહરાના રણમાં દિવસે ખૂબ ગરમી અને રાત્રિએ ખૂબ ઠંડી હોય છે. આ પ્રદેશની વિશિષ્ટ ઓળખ આપવા માટે કહેવાય છે કે ‘સહરા એવો તો બરફીલો પ્રદેશ છે કે જ્યાં સૂર્ય ભડકે બળે છે !’
શુભ્રા દેસાઈ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સહરાનું રણ, પૃ. ૫૫)
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી