જ. ૮ માર્ચ, ૧૯૨૧ અ. ૨૫ ઑક્ટોબર, ૧૯૮૦

હિન્દી તથા ઉર્દૂ ભાષાના પ્રગતિશીલ કવિ તથા ચલચિત્રોના ગીતકારનું મૂળ નામ અબ્દુલ હાયી હતું. શિક્ષણ લુધિયાણામાં લીધું. નાની વયથી કવિતા લખતા થઈ ગયા, યુવાન વયે ‘તલ્ખિયા’ અને ‘ગાતા જાયે બનજારા’ કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા. યુવાન વયે તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. પ્રગતિશીલ લેખક મંડળના સભ્ય બન્યા, પત્રકાર રૂપે લાંબો સમય કામ કર્યું. તેમણે દિલ્હીને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું અને વિવિધ સામયિકોનું સંપાદન કર્યું. ત્યારબાદ ઈ. સ. ૧૯૪૯માં તેમને સાચી દિશા લાધી અને ચલચિત્રના ગીતકાર થવાનો વિચાર આવ્યો. ધીમે ધીમે આ ક્ષેત્રમાં તેમને સફળતા મળી. ગુરુદત્તના ‘બાઝી’ ચિત્ર માટેનાં ગીતો તેઓએ લખ્યાં અને તે ગીતો લોકપ્રિય બન્યાં. ટૂંક સમયમાં તેઓનું નામ સફળ કવિઓની હરોળમાં આવી ગયું. સાહિરે કવિ ફૈઝ મહમ્મદ ફૈઝની જેમ પ્રગતિશીલ કવિતાનો માર્ગ લીધો. ઈ. સ. ૧૯૫૪માં ‘ટૅક્સી ડ્રાઇવર’ ફિલ્મમાં તેમનાં ગીતો દેશના ખૂણે ખૂણે ગુંજતાં થયાં. ત્યારબાદ તેમનાં ગીતોની માંગ વધવા લાગી. તેમનાં ગીતોમાં સાદું સંગીત છતાં ભાવવાહિતા અને ચોટદાર શબ્દોના પ્રયોગથી ખૂબ લોકપ્રિય થયાં. તેમનાં ગીતો શાસ્ત્રીય સંગીત પર આધારિત હતાં. તેમને ‘તાજમહલ’ અને ‘કભી કભી’ ફિલ્મનાં ગીતો માટે સર્વશ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. ૧૯૭૧માં ‘પદ્મશ્રી’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાહિરનાં ગીતો સામાન્ય દર્શકોને મનોરંજન અને વિશિષ્ટ વર્ગને પણ ઉત્સાહિત કરતાં હતાં. તેઓએ ટૂંકા જીવનકાળ દરમિયાન ઘણા ચાહકોનાં દિલમાં ઘેરી છાપ છોડી હતી.
અંજના ભગવતી