સિનેગૉગ


યહૂદીઓનું ધાર્મિક સ્થાન.

‘સિનેગૉગ’ —- એક ગ્રીક શબ્દ છે. તેનો અર્થ થાય છે ‘લોકોની સભા’ (assembly of people) અથવા ‘ઉપાસના માટેની સભા’ (congregation). ઈ. સ. પૂ. છઠ્ઠી સદીમાં બૅબિલૉનથી હાંકી કાઢેલા અને દેશવટો ભોગવતા યહૂદીઓએ મંદિરના સ્થાને તેની શરૂઆત કરી હતી, જ્યાં પ્રાર્થના ઉપરાંત ધાર્મિક ગ્રંથોનું અધ્યયન તથા ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવતું. સિનેગૉગ વિશાળ ઇમારત પણ હોઈ શકે અથવા નાનકડો ખાલી ઓરડો પણ હોઈ શકે, જ્યાં લોકો પ્રાર્થના માટે એકઠા થઈ શકે.

સિનેગૉગ, અમદાવાદ

યહૂદીઓના ધર્મ દ્વારા જે કેટલાંક પવિત્ર સ્થાનો માન્ય રાખવામાં કે સ્વીકારવામાં આવ્યાં છે તેમાં સિનેગૉગને સૌથી પવિત્ર સ્થળ ગણવામાં આવે છે. તેના મુખ્ય બે પ્રકાર છે : રૂઢિચુસ્ત સિનેગૉગ અને લિબરલ સિનેગૉગ. વિશ્વમાં જ્યાં જ્યાં સિનેગૉગ ઊભાં કરવામાં આવ્યાં છે ત્યાં ત્યાં તે દરેકમાં કેટલાંક સમાન અને વિશિષ્ટ પ્રતીકો જોવા મળે છે. તેમાં સૌથી જાણીતું પ્રતીક છે ‘ARK’. તેમાં યહૂદીઓ માટેના ધાર્મિક આચારવિચાર-વિષયક લખાણના વીંટા (scrolls) ભૂંગળમાં સુરક્ષિત રાખેલા હોય છે. તેની યહૂદી ધર્મના અનુયાયીઓ પૂજા-પ્રાર્થના કરતા હોય છે. એ ‘ARK’ની બરાબર સામે અથવા તો દરવાજાની અંદર સુંદર નકશીકામ કરેલો પડદો લટકાવવામાં આવે છે. ARKની ઉપરના ભાગમાં બે મેજ હોય છે. તેના પર ઈશ્વરની ‘દસ આજ્ઞાઓ’(Ten Commandments)ની નકલો મૂકેલી હોય છે. તેની જોડે પ્રકાશ આપતી અખંડ દીવી પેટાવેલી રહે છે. તેને હિબ્રૂ ભાષામાં ‘Ner-Tamid કહેવામાં આવે છે. દીવી ઈશ્વરની ઉપસ્થિતિનું પ્રતીક ગણાય છે. સિનેગૉગમાં સાત જ્યોતવાળો એક અન્ય દીવો પણ રાખવામાં આવે છે. તેને મિનોરા (minorah) કહેવામાં આવે છે. સાત જ્યોત એ સાત દિવસનું પ્રતીક રૂપ છે. ઈશ્વરે જગતનું સર્જન કરતાં સાત દિવસ લીધા હતા તેનો પણ તે સંકેત કરે છે. તેને દિવ્ય દૃષ્ટિ કે શાણપણ (devine wisdom) તરીકે પણ ઓળખવામાં આવે છે. સિનેગૉગમાં છ ખૂણાવાળા એક તારાનું આલેખન હોય છે. આ તારાને ડેવિડનો તારો કહે છે. હિબ્રૂ ભાષામાં તેને ‘મેગાન ડેવિડ’ કહે છે. તેને ‘શિલ્ડયૉન ડેવિડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. યહૂદી ધર્મનું આ પ્રતીક છે. તે છ દિશાઓનું સૂચન કરે છે. ‘ટેબા’ (Tebah), ‘અર્થાત્’, ‘પવિત્ર આર્કની સંદૂક’(the box of the holy ARK)માં યહૂદીઓના ધર્મગ્રંથો રાખવામાં આવે છે. સિનેગૉગના પૂજાગૃહની રચના બાઇબલમાં નિર્ધારિત કરેલી છે. ધર્મગ્રંથોના પઠન સમયે ગ્રંથ મૂકવા માટે જે મેજ હોય છે તેને ‘Alarmar’ કહેવામાં આવે છે. આ મેજને સિનેગૉગની મધ્યમાં મૂકવામાં આવે છે. તેને યજ્ઞવેદીનું પ્રતીક (Altar) ગણવામાં આવે છે. સિનેગૉગના જે સ્થળેથી પ્રાર્થના ગવાતી હોય છે તે વ્યાસપીઠને ‘બિમા’ (Bimah) કહેવામાં આવે છે. જે ગોખલામાં આર્ક (ARK) મુકાય છે તેને હેકલ (Hechal) અથવા કોડેશ (Kodesh) કહે છે. ગુજરાતમાં અમદાવાદમાં ખમાસા પાસે પારસીની અગિયારીની સામે આવેલું સિનેગૉગ ૮મી સપ્ટેમ્બર, ૧૯૩૪માં બંધાયેલું છે અને તે ગુજરાતનું એકમાત્ર સિનેગૉગ છે. તે મેગાન અબ્રાહામ સિનેગૉગ તરીકે ઓળખાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિનેગૉગ, પૃ. ૧૯૭)