સુચિત્રા સેન


જ. ૬ એપ્રિલ, ૧૯૩૫ અ. ૧૭ જાન્યુઆરી, ૨૦૧૪

‘મહાનાયિકા’નું બિરુદ મેળવનાર સુચિત્રા સેનનો જન્મ બાંગ્લાદેશમાં થયો હતો. તેમનું મૂળ નામ રોમા દાસગુપ્તા હતું. પિતા કરુણામય દાસગુપ્તા અને માતા ઇન્દિરા દેવી. તેમનો ઉછેર પટણામાં તેમના મોસાળમાં થયો હતો. નાની વયે જ તેમનાં લગ્ન દીબાનાથ સેન સાથે થયાં હતાં. સુચિત્રા પરણીને સાસરે ગયાં તે પછી તેમના સસરા અને પતિએ તેમની પ્રતિભા પારખી, તેમને અભિનય માટે ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે સુચિત્રા સેન નામ સાથે બંગાળી ચિત્રોમાં કામ શરૂ કરી દીધું. પરિણીત અભિનેત્રીને પ્રેક્ષકો પ્રણયદૃશ્યોમાં સ્વીકારતા નથી એવી એક માન્યતા તેમણે તોડી નાખી હતી. બંગાળી ચિત્રોના લોકપ્રિય અભિનેતા ઉત્તમકુમાર અને સુચિત્રા સેનની જોડીએ વર્ષો સુધી એક પછી એક સફળ ચિત્રો આપ્યાં હતાં. તેમણે અભિનય આપેલી ૬૦ ફિલ્મોમાં ૩૦ ફિલ્મો તેમણે ઉત્તમકુમાર સાથે કરી હતી. બંગાળી અને હિંદી ચિત્રોમાં રૂપસૌંદર્ય અને અભિનયપ્રતિભાથી એક અભિનેત્રી તરીકે જીવંત દંતકથા બની જવાની સિદ્ધિ તેમણે મેળવી હતી. બધાં ચિત્રોમાં તેમના તેજસ્વી વ્યક્તિત્વને કારણે તેમની ભૂમિકાઓ મહત્ત્વની બની રહી હતી. તેમણે ‘દેવદાસ’, ‘મમતા’ અને ‘આંધી’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ દમદાર અભિનય આપ્યો હતો.

સુચિત્રાના પતિ દીબાનાથનું ૧૯૬૯માં એક અકસ્માતમાં અવસાન થયું હતું. જોકે કાનૂની રીતે તે પહેલાં જ બંને છૂટાં પડી ગયાં હતાં. ૧૯૭૮ના અરસામાં તેમનું ચિત્ર વ્યાવસાયિક રીતે નિષ્ફળ જતાં સુચિત્રાએ એકાએક જ માયા સંકેલી લીધી હતી. તેમણે જાહેરમાં દેખાવાનું પણ બંધ કરી દીધું હતું. અભિનયમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં રહ્યાં હતાં. કોઈ પણ આંતરરાષ્ટ્રીય ચિત્ર મહોત્સવમાં પારિતોષિક મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય અભિનેત્રી બન્યાં હતાં. તેમનાં નોંધપાત્ર ચલચિત્રોમાં ‘કજરી’, ‘સદાનંદેર જોલા’, ‘ઓરા થાકે ઓધારે’, ‘ગૃહપ્રવેશ’, ‘અગ્નિપરીક્ષા’, ‘દેવદાસ’, ‘ભાલોબાસા’, ‘સાગરિકા’, ‘દીપ જ્વલે જાય’, ‘સાત પાકે બાંધા’, ‘મમતા’, ‘આલો અમાર આલો’, ‘આંધી’ વગેરેનો સમાવેશ થાય છે. તેમને મળેલા પુરસ્કારોમાં ૧૯૭૨માં ‘પદ્મશ્રી’, ૨૦૧૨માં ‘બાન્ગા વિભૂષણ’, ૨૦૦૫માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ(જે તેમણે સ્વીકાર્યો ન હતો)નો સમાવેશ થાય છે.