જ. ૮ નવેમ્બર, ૧૯૧૭ અ. ૧૬ જૂન, ૨૦૦૭
પંજાબના પ્રગતિવાદી સાહિત્યકાર સુરિન્દરસિંહ નરૂલાનો જન્મ અમૃતસરમાં થયો હતો. અમૃતસરની ખાલસા કૉલેજમાંથી ત્રણ સુવર્ણચંદ્રકો મેળવીને બી.એ. થયા અને ૧૯૩૮માં રાજ્ય સચિવાલયમાં કાર્યરત બન્યા. ૧૯૪૨માં અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે લુધિયાણાની સરકારી કૉલેજમાં અંગ્રેજી અને અમેરિકન સાહિત્યના અનુસ્નાતક વિભાગના વડા તરીકે અધ્યાપનકાર્ય કર્યું. રાવલપિંડીની ખાલસા કૉલેજમાં પણ થોડા સમય માટે કામ કર્યું. સુરિન્દરસિંહે પંજાબી કથાસાહિત્યમાં યથાર્થવાદનો આરંભ કર્યો અને નવલકથાના વિષયવસ્તુ અને શૈલીની દૃષ્ટિએ અસંખ્ય પ્રયોગો કર્યા. એમની કથાઓની વિશેષતા એમાંની દૃશ્યક્ષમતાને કારણે છે. તેમની પ્રથમ નવલકથા ‘પિયો પુત્તર’(પિતા-પુત્ર)માં અમૃતસરના શહેરીજીવનનું સર્વવ્યાપી ચિત્રનું ઐતિહાસિક દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે. તેમની બીજી નવલકથા ‘સિલાલૂની’માં ભારતના વિભાજન પછી પંજાબમાં થયેલાં હત્યાકાંડનાં હૃદયદ્રાવક દૃશ્યોનો ચિતાર આલેખ્યો છે. તેમની કેટલીક પ્રસિદ્ધ નવલકથાઓમાં ‘રંગમહલ’, ‘જગબીતી’, ‘રાહે કુરાહે’, ‘નીલીબાર’, ‘દીનદુખિયા’ વગેરેનો સમાવેશ થાય છે. તેમનાં લખાણોનો હિન્દી, ગુજરાતી, બંગાળી તથા મલયાળમ ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમનાં કેટલાંક પુસ્તકોનો રશિયન તેમજ કેટલીક વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમણે ૧૨ નવલકથાઓ, ૭ ટૂંકી વાર્તાનાં પુસ્તકો, કવિતાસંગ્રહો તથા વિવેચનકાર્ય પંજાબી અને અંગ્રેજી ભાષામાં લખ્યાં છે. તેમનાં લખાણોમાં ડાબેરી વિચારસરણીની છાંટ જણાય છે.
તેમની પ્રસિદ્ધ નવલકથા ‘સિલાલૂની’ માટે પંજાબ સરકાર તરફથી ૧૯૫૫માં તેમને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું. ૧૯૮૧માં પંજાબ સરકારના સાહિત્ય વિભાગ તરફથી વર્ષના શ્રેષ્ઠ સાહિત્યકારનો ઍવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
શુભ્રા દેસાઈ