જ. ૧૪ ફેબ્રુઆરી, ૧૯૫૨ અ. ૬ ઑગસ્ટ, ૨૦૧૯

ભારતીય રાજકારણી અને સુપ્રીમ કોર્ટનાં વકીલ. ૧૯૯૮માં થોડા સમય માટે દિલ્હીનાં સૌપ્રથમ મહિલામુખ્યમંત્રીપદે રહ્યાં હતાં. ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે મોદી સરકારમાં વિદેશમંત્રીનું પદ સંભાળ્યું હતું. ઇન્દિરા ગાંધી પછી વિદેશમંત્રીના પદ પર રહેનાર તેઓ બીજાં મહિલાનેતા હતાં. તેઓ ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી વિનયન વિદ્યાશાખા અને કાયદાની વિદ્યાશાખાનાં સ્નાતક હતાં. અંબાલા કૅન્ટોનમેન્ટ ખાતે એસ. ડી. કૉલેજનાં શ્રેષ્ઠ વિદ્યાર્થિની તરીકેનાં પારિતોષિકો ઉપરાંત એન.સી.સી.નાં પણ શ્રેષ્ઠ કૅડેટ તરીકે સતત ત્રણ વર્ષ સર્વશ્રેષ્ઠ કૅડેટ પુરવાર થયાં હતાં. ૧૯૭૦માં વિદ્યાર્થિની નેત્રી તરીકે તેમણે ઇન્દિરા ગાંધીની સરકાર વિરુદ્ધ કામગીરી આરંભી અને રાજકારણમાં અને જાહેરજીવનમાં સક્રિય રસ લેવાનો શરૂ કર્યો. ૧૯૭૭માં ૨૫ વર્ષની વયે તેઓ હરિયાણાનાં સૌથી યુવા મંત્રી બન્યાં હતાં. ૧૯૭૭-૧૯૭૯ સુધી દેવીલાલ સરકારમાં શ્રમ અને રોજગારમંત્રી બન્યાં. ૧૯૮૦માં તેઓ ભારતીય જનતા પક્ષમાં જોડાયાં. ૧૯૮૭માં ફરી દેવીલાલની સરકારમાં શિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠામંત્રી બન્યાં. તેઓ ઉત્તમ વક્તા હોવાથી ત્રણ વાર હરિયાણા વિધાનસભાનાં ઉત્તમ વક્તા તરીકે વરણી પામ્યાં. સંસ્કૃત ભાષા પર પણ તેમની હથોટી ઉત્તમ કક્ષાની હતી. તેઓ અન્ય સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનોમાં પણ વિવિધ હોદ્દા ધરાવતાં હતાં. ૧૯૯૦માં રાજ્યસભાનાં સાંસદ બની કેન્દ્રીય રાજકારણમાં આવ્યાં. ૧૯૯૬ની ૧૧મી અને ૧૯૯૮ની ૧૨મી લોકસભામાં દક્ષિણ દિલ્હી મતવિસ્તારમાંથી ચૂંટાઈ સાંસદ બન્યાં. તેઓ વાજપાઈ મંત્રીમંડળમાં માહિતી અને સંચાર મંત્રાલયનાં મંત્રી બન્યાં. ૨૦૦૦માં ઉત્તરાખંડનાં અને ૨૦૦૬માં મધ્યપ્રદેશનાં સાંસદ તરીકે રાજ્યસભામાં કાર્યરત રહ્યાં. તેઓ ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કારોબારીનાં સભ્ય, પક્ષનાં અધ્યક્ષ અને મંત્રી તથા પક્ષનાં પ્રવક્તા જેવા વિવિધ મહત્ત્વના હોદ્દા પણ સંભાળી ચૂક્યાં હતાં. મોદી સરકારમાં વિદેશમંત્રી તરીકે તેમણે કેટલાક ભારતીયોને વિદેશથી સ્વદેશ લાવવામાં અભૂતપૂર્વ ભૂમિકા નિભાવી હતી. તેમના ઉત્કૃષ્ટ પ્રદાન માટે ૨૦૨૦માં તેમને મરણોત્તર પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
રાજશ્રી મહાદેવિયા