જ. ૬ માર્ચ, ૧૬૯૮ અ. ૧૦ જાન્યુઆરી, ૧૭૭૫

‘ફાધર ઑફ ઇન્ડિયન આર્મી’ તરીકે ઓળખાતા સ્ટ્રિંગર લોરેન્સ બ્રિટિશ સૈન્યના અધિકારી હતા. તેમણે ૧૭૪૮થી ૧૭૫૪ સુધી પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ ઑફ ફોર્ટ વિલિયમ તરીકે કાર્ય કર્યું હતું. હેરેફોર્ડ, યુનાઇટેડ કિંગ્ડમમાં જન્મેલા સ્ટ્રિંગર ૧૭૨૭માં બ્રિટિશ આર્મીમાં જોડાયા. ૧૭૪૮માં મેજરની પદવી પામી ‘ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ટ્રૂપમાં ભારત આવ્યા. ૧૭૪૯માં બ્રિટિશ આર્મીએ ‘દેવીકોટા’ હાંસિલ કર્યું. ૧૭૫૦માં તેઓ ઇંગ્લૅન્ડ ગયા પણ ૧૭૫૨માં પાછા આવ્યા અને ફ્રેન્ચ આર્મી પાસેથી ત્રિચિનાપલ્લી પાછું મેળવ્યું. તેઓ થોડા સમય માટે કમાન્ડર-ઇન-ચીફ તરીકે રહ્યા. તેઓ ૧૭૫૮-૫૯માં ફ્રેન્ચ સામે સેંટ જ્યૉર્જ ફૉર્ટ, મદ્રાસ(હાલ ચેન્નાઈ)ની લડાઈમાં સામેલ હતા. ૧૭૫૯માં તેમની તબિયત બગડતાં તેઓ ઇંગ્લૅન્ડ પાછા ગયા પછી ૧૭૬૧માં મેજર-જનરલ અને કમાન્ડર-ઇન-ચીફ તરીકે પાછા આવ્યા. ૧૭૬૫માં ‘મદ્રાસ આર્મી’ના ગઠન માટેના બોર્ડમાં તેમણે અધ્યક્ષતા લીધી અને પછીના વર્ષમાં નિવૃત્ત થયા. નિવૃત્ત જીવન દરમિયાન તેઓ તેમના મિત્ર સર રૉબર્ટ પાક (Robert Palk) સાથે રહ્યા અને જ્યારે તેમણે દેહ છોડ્યો ત્યારે મિત્રને ૫૦,૦૦૦ પાઉન્ડ આપતા ગયા. આ મિત્રે સ્ટ્રિંગરની યાદગીરી રૂપે ૧૭૮૮માં ૨૬ મીટર ઊંચો ત્રિકોણીય ટાવર ‘લોરેન્સ ટાવર’ (જે હાલમાં ֹ‘હાલ્ડન બેલવેડર’ તરીકે ઓળખાય છે) બનાવ્યો, જેમાં લોરેન્સની ફુલ કદની પ્રતિમા (રોમન જનરલના વેશમાં) બનાવી છે; એટલું જ નહીં, સર રૉબર્ટ પાકે પોતાના દીકરા અને કુટુંબમાં પણ લોરેન્સનું નામ રાખવાની પ્રથા પણ ચાલુ કરી. ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’એ વેસ્ટમિનિસ્ટર એબીમાં સ્ટ્રિંગર લોરેન્સની સફેદ આરસપહાણની પ્રતિમા મૂકી છે જે સ્ટ્રિંગરના ઉત્કૃષ્ટ પ્રદાનની ગવાહી પૂરે છે.
રાજશ્રી મહાદેવિયા