સ્મિતા પાટીલ


જ. ૧૭ ઑક્ટોબર, ૧૯૫૫ અ. ૧૩ ડિસેમ્બર, ૧૯૮૬

હિન્દી અને મરાઠી ચલચિત્રોનાં અભિનેત્રી તરીકે જાણીતાં સ્મિતા પાટીલનો જન્મ એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમનાં માતા વિદ્યા પાટીલ સામાજિક કાર્યકર હતાં. તેમના પિતા શિવાજીરાવ પાટીલ મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન હતા. તેઓ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન વિષય સાથે સ્નાતક થયાં હતાં. અભિનયની કોઈ વિશેષ તાલીમ લીધા વિના નૈસર્ગિક અભિનય વડે કોઈ પણ પાત્રમાં પોતાના વ્યક્તિત્વને ડુબાડી દેવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતાં સ્મિતા પાટીલ ચલચિત્રજગતના આકાશમાં અલ્પ સમય માટે ચમકી ગયેલાં તેજસ્વી તારિકા હતાં. આર્ટ ફિલ્મ ક્ષેત્રે છેલ્લાં થોડાં વર્ષોમાં જે બે  નોંધપાત્ર અભિનેત્રીઓ ભારતીય ચલચિત્ર ઉદ્યોગને પ્રાપ્ત થઈ તેમાં એક શબાના આઝમી અને બીજાં સ્મિતા પાટીલને ગણાવી શકાય.

કૉલેજમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે જ મુંબઈ દૂરદર્શન પર સમાચારવાચક તરીકે ફરજ બજાવતાં સ્મિતા પાટીલને ખ્યાતનામ દિગ્દર્શક શ્યામ બેનેગલે પ્રથમ વાર ‘ચરણદાસ ચોર’ નામની ફિલ્મમાં તક આપી હતી. દેખાવે નમણાં એવાં સ્મિતા પાટીલની ‘નિશાન્ત’માંની ભૂમિકા નાની પણ યાદગાર હતી. દૂધની સહકારી ડેરીના વિષય પર બનાવાયેલી બેનેગલની ફિલ્મ ‘મંથન’માં એક હરિજન યુવતીને તેમણે એવી સહજતાથી પડદા પર રજૂ કરી હતી તેથી શ્રેષ્ઠ અભિનેત્રીનું રાષ્ટ્રીય પારિતોષક તેમને પ્રાપ્ત થયું હતું. સ્મિતા પાટીલે ‘ભૂમિકા’, ‘ચક્ર’, ‘આક્રોશ’, ‘ગમન’, ‘બાઝાર’, ‘અર્થ’, ‘મંડી’ જેવી આર્ટ ફિલ્મોમાં નોંધપાત્ર અભિનય કર્યો હતો. સાથોસાથ ‘શક્તિ’, ‘નમકહલાલ’, ‘કયામત, ‘કસમ પેદા કરનેવાલે કી’, ‘ડન્સડાન્સ’, ‘બદલે કી આગ’, ‘અમૃત’ વગેરે વ્યાવસાયિક ચલચિત્રોમાં પણ તેમણે સરસ કામ કર્યું હતું. એમની હયાતીમાં જ ફ્રાન્સ ખાતે તેમનાં ચલચિત્રોનો ‘પુનરવલોકન’ (retrospect) કાર્યક્રમ યોજાયો હતો. આવું માન જૂજ અભિનેત્રીઓને મળ્યું છે. કુલ ૬૬ જેટલાં ચલચિત્રોમાં યાદગાર ભૂમિકા ભજવી ગયેલ સ્મિતા પાટીલનું ૩૧ વર્ષની વયે બ્રેઇનહેમરેજને કારણે નિધન થયું હતું. હિન્દી અને મરાઠીની સાથોસાથ તેમણે બંગાળી, કન્નડ, મલયાળમ અને તેલુગુ ચલચિત્રોમાં કામ કરીને પદ્મશ્રી સન્માન પણ પ્રાપ્ત કર્યું હતું.

અશ્વિન આણદાણી