જ. ૨ જાન્યુઆરી, ૧૯૩૨ અ. ૨૦ ઑગસ્ટ, ૧૯૮૫
પંજાબમાં ૧૯૮૦ના દાયકામાં બળવા દરમિયાન અકાલી દળના પ્રમુખ તરીકે જાણીતા હરચંદસિંઘ લોંગોવાલનો જન્મ પટિયાલા રજવાડામાં આવેલા ગીદરિયાની ગામે થયો હતો. તેમણે સંત જોધસિંઘના આશ્રયમાં રહીને શીખ ધર્મગ્રંથો અને શીખ સંગીતનો અભ્યાસ કર્યો હતો. એકવીસ વર્ષની ઉંમરે તેમણે ગુરુદ્વારામાં ગ્રંથ-વાચક અને કસ્ટોડિયન તરીકે સેવા આપી હતી. લોંગોવાલ ગામમાં તેમણે અઢારમી સદીના પ્રખ્યાત વિદ્વાન અને શહીદ ભાઈ મણિસિંઘની યાદમાં ગુરુદ્વારા ઊભું કર્યું હતું. ૧૯૬૨માં તેમને દમદમા સાહિબ (તલવંડી સાબો) ખાતેના ઐતિહાસિક મંદિરના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાથી તેઓ ‘સંતજી’ તરીકે ઓળખાતા હતા. હરચંદસિંઘ લોંગોવાલનું રાજકીય જીવન ૧૯૬૪માં શરૂ થયું હતું. જ્યારે તેમણે હાલના હિમાચલ પ્રદેશ રાજ્યમાં પાઓંટા સાહિબના ઐતિહાસિક સ્થળ પર શીખ અધિકારો માટે યોજાયેલા પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. ૧૯૬૫માં લોંગોવાલ સંગરૂર જિલ્લામાં અકાલી સંગઠનના પ્રમુખ બન્યા અને શિરોમણિ અકાલી દળની કારોબારી સમિતિના સભ્ય બન્યા હતા. ૧૯૬૯માં તેઓ પંજાબ વિધાનસભામાં અકાલી ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. ૧૯૮૦માં અકાલી દળના અધ્યક્ષ તરીકેની ભૂમિકા દરમિયાન હરચંદસિંઘે પંજાબના શીખોની લાંબા સમયથી ચાલતી ફરિયાદો અંગે કેન્દ્ર સરકાર પાસેથી છૂટ મેળવવા માટે નાગરિક અસહકારની મોટા પાયે ઝુંબેશ શરૂ કરી હતી. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે તેમણે ખૂબ જ વાટાઘાટો કરી હતી. આ વાટાઘાટો નિષ્ફળ જવાથી લોકોના વિશ્વાસને ઠેસ પહોંચી હતી. જેનાથી ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓના હાથ મજબૂત થયા હતા. હરચંદસિંઘ લોંગોવાલે ૨૪ જુલાઈ, ૧૯૮૫ના રોજ રાજીવ ગાંધી સાથે પંજાબ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, જેને રાજીવ-લોંગોવાલ ઍકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. સરકારે અકાલી દળની મોટા ભાગની માંગણીઓ સ્વીકારી લીધી હતી. કરાર પર હસ્તાક્ષર કર્યાના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં લોંગોવાલની હત્યા થવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
અશ્વિન આણદાણી