શિવજી———-
જ. ૧૩ ડિસેમ્બર, ૧૮૭૮ અ. ૨૨ જાન્યુઆરી, ૧૯૨૧
ગુજરાતીમાં ‘વીસમી સદી’ નામક પ્રથમ સચિત્ર સામયિક આપનાર નિષ્ઠાવાન સંપાદક તથા સચિત્ર પત્રકારત્વના પિતા. મુંબઈમાં ગર્ભશ્રીમંત વેપારી ખોજા પરિવારમાં જન્મ. પિતાનું નામ શિવજી અલારખિયા અને માતાનું નામ રહેમતબાઈ. નામપણથી જ સાહિત્યમાં રસ એટલે થોડો સમય ઘેર રહીને ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યો. પછી મુંબઈની ફોર્ટ હાઈસ્કૂલમાં દાખલ થઈ અંગ્રેજી છ ધોરણ સુધી ભણ્યા. ૧૮૯૫થી અંગ્રેજી, હિન્દી અને મરાઠી પણ શીખવા લાગ્યા અને ત્યારથી સાહિત્યિક કારકિર્દી પણ શરૂ થઈ. ગુજરાતી માસિકોમાં લેખો, નાની વાર્તાઓ વગેરે લખતા. પછી બે વર્ષમાં તો દૈનિકો-સાપ્તાહિકોમાં પણ લખતા થયા. ‘પ્રવીણસાગર’ તેમનો પ્રિય ગ્રંથ હતો. ૧૮૯૮માં એક મિત્રના અવસાનને અનુલક્ષીને ‘સ્નેહી વિરહ પંચદશી’ નામે તેમણે લખેલું પહેલું પુસ્તક હિન્દીમાં પ્રકટ થયું પછી સર એડવિન આર્નોલ્ડકૃત ‘પર્લ્સ ઑફ ફેઇથ’નું ‘ઇમાનનાં મોતી’ નામે ગુજરાતી ભાષાંતર આપ્યું. તેમણે ૧૯૧૬ની પહેલી એપ્રિલે ‘વીસમી સદી’ નામનું પ્રથમ ગુજરાતી સચિત્ર સામયિક શરૂ કર્યું. આ માસિક પ્રસિદ્ધ થતાંવેંત એવું તો લોકપ્રિય થયું કે અંદાજે તેની ૪,૦૦૦ નકલો ખપવા લાગી, પણ અંગત રીતે તેમને લગભગ રૂ. ૩૫,૦૦૦ સુધીની ખોટ આવી હતી. છતાં તેઓ લેખકો અને ચિત્રકારોને ખૂબ ઉદાર રીતે પુરસ્કાર ચૂકવતા. ‘વીસમી સદી’ નિમિત્તે તેમણે ગુજરાતને અનેક રીતે ઉપકૃત કર્યું. કનૈયાલાલ મુનશી, ચંદ્રશંકર પંડ્યા, નરિંસહરાવ દિવેટિયા, ન્હાનાલાલ જેવા અનેક સાહિત્યકારો પ્રતિષ્ઠિત થયા તો રવિશંકર રાવળ જેવા કલાકારોને આ નિમિત્તે બહાર આવવાની તક સાંપડી. ૧૯૨૧માં બંધ થયા પછી જાણે તેની રાખમાંથી ‘ગુજરાત’, ‘નવચેતન’ અને ‘કુમાર’ જેવાં સામયિકનો પ્રાદુર્ભાવ થયો. તેમણે પત્રકારત્વ ઉપરાંત સાહિત્યના ક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. તેમની પાસેથી ૧૯૦૩માં ઇતિહાસ તેમજ જીવનવિષયક ૧૦૦ લેખોનો સચિત્ર ગ્રંથ, ‘મહેરુન્નિસા’ નાટક (૧૯૦૪), ‘રશીદા’ (૧૯૦૮) નામે આત્મવિદ્યાવિષયક નવલકથા મળી છે. આ ઉપરાંત તેમણે ‘સલીમ’ ઉપનામથી ‘મોગલ રંગમહેલ’, ‘સુશીલા’, ‘શીશમહલ’ જેવી કૃતિઓ પણ આપી છે. તેમણે સાહિત્યસર્જન કદાચ ઓછું કર્યું છે પણ ગુજરાતના પત્રકારત્વના ઇતિહાસમાં તેમનું પ્રદાન અવિસ્મરણીય રહેશે.
રાજશ્રી મહાદેવિયા