જ. 13 માર્ચ, 1899 અ. 14 સપ્ટેમ્બર, 1967

ભૂતપૂર્વ હૈદરાબાદ રાજ્યના બીજા અને છેલ્લા મુખ્યમંત્રી રજવાડાંઓના રાજકીય એકીકરણ પહેલાં તેઓ હૈદરાબાદ રજવાડાના નિઝામનો પ્રતિકાર કરનારા તેલુગુભાષી નેતાઓમાંના એક હતા. તેઓ સંસ્કૃત અને તેલુગુ ભાષાના વિદ્વાન હતા. તેમનો જન્મ પદકલ્લુ ગામ, કાલવાકુર્થ, હૈદરાબાદ રાજ્યમાં થયો હતો. તેમના પિતાનું નામ નરસિંહ રાવ અને માતાનું નામ રંગનાયકમ્મા હતું. ભણવામાં હોશિયાર હોવાથી ‘એલીઝ’ શિષ્યવૃત્તિ મેળવી, મુંબઈમાં ભણ્યા અને કાયદામાં સ્નાતકની ઉપાધિ મેળવી. હૈદરાબાદ પાછા આવી વકીલનો વ્યવસાય અપનાવ્યો, પરંતુ તે ઝાઝો સમય સુધી ન કરતાં જાહેર ચળવળોમાં ભાગ લેવા લાગ્યા અને બે વાર જેલવાસ પણ ભોગવ્યો. હૈદરાબાદ રાજ્યના દીવાન મિર્ઝા ઇસ્માઇલ દ્વારા આપવામાં આવેલ કાયદાનો પૉર્ટફોલિયો પણ છોડી દીધો. તેઓ હૈદરાબાદ રાજ્ય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક હતા. તેમણે 1932માં દેવરકોંડા ખાતે આંધ્ર મહાસભાના બીજા સંમેલનની અધ્યક્ષતા કરી હતી. તેમણે હૈદરાબાદ સ્વદેશી લીગ અને નિઝામ વિષય લીગના સચિવ તરીકે કાર્ય કર્યું હતું. 1950માં વેલ્લોડી સરકારના મંત્રીમંડળમાં મહેસૂલમંત્રી રહ્યા હતા. નિઝામ શાસનના અંત પછી પોતાની વહીવટી કુશળતાથી એક સ્થિર લોકશાહીની વ્યવસ્થા કરી હતી. તેમણે તેલંગણામાં જાગીરદાર અને મુક્તેદારની વ્યવસ્થા નાબૂદ કરી ભાડૂઆતનો કાયદો રજૂ કરી પ્રથમ ભારતીય સુધારકની છબી ઉપસાવી હતી. નવેમ્બર, 1956થી જુલાઈ, 1960 સુધી તેઓ કેરળના રાજ્યપાલ રહ્યા હતા અને જુલાઈ 1959માં તેમણે ભારતમાં પ્રથમ ચૂંટાયેલી સામ્યવાદી સરકારને બરતરફ કરી હતી. ભારતમાં પહેલી વાર કલમ 356નો ઉપયોગ કરવામાં આવ્યો. એપ્રિલ, 1962 સુધી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રહ્યા હતા. 1962થી 1966 દરમિયાન રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની સેવાઓ ફક્ત તેલંગણામાં જ નહીં, પરંતુ પડોશી વિસ્તારોમાં પણ ફેલાઈ હતી. તેમની રાજનીતિ માટે ઘણા ટોચના રાજકારણીઓ તરફથી પ્રશંસા પણ મેળવી હતી.
રાજશ્રી મહાદેવિયા
