ચલણી નોટ


આધુનિક જમાનામાં વૈશ્વક સ્તરે વ્યાપક રીતે અમલમાં આવેલું વિનિમયનું માધ્યમ. તે બિલ, કાગદી ચલણ અથવા નોટ સ્વરૂપમાં હોય છે. તે એક પરક્રામ્ય વટાઉ ખતપત્ર હોય છે. તે વચનચિઠ્ઠી (પ્રૉમિસરી નોટ) તરીકે પણ ઓળખાય છે. ઓછા મૂલ્યવાળા નાણાકીય એકમો માટે હવે સિક્કાઓ ચલણમાં રાખવામાં આવે છે; જ્યારે વધુ મૂલ્યવાળા નાણાકીય એકમો માટે બૅંકનોટો ચલણમાં રખાતી હોય છે.

ચલણ તરીકે બૅંકનોટના ચલણની શરૂઆત સાતમી સદીમાં ચીનમાં તાંગ અને સૉંગ વંશજોના શાસનકાળ દરમિયાન થઈ હતી.

ચલણ તરીકે બૅંકનોટના ચલણની શરૂઆત સાતમી સદીમાં ચીનમાં તાંગ અને સૉંગ વંશજોના શાસનકાળ દરમિયાન થઈ હતી. તાંબાના બનેલા સિક્કાઓ વ્યાપારવાણિજ્યના વિનિમયવ્યવહારમાં વજનની દૃષ્ટિએ પ્રતિકૂળ જણાતાં તાંગ વંશજોએ બૅંકનોટો ચલણમાં આણી. મૉંગોલ સામ્રાજ્યમાં યુઆન વંશના શાસન દરમિયાન તેનો અમલ શરૂ થયો. યુરોપના દેશોમાં ચૌદમી સદીમાં વિનિમયના માધ્યમ તરીકે બૅંક-નોટ દાખલ કરવામાં આવી અને સત્તરમી સદીમાં તો તેનો વ્યવસ્થિત રીતે વ્યવહાર થવા લાગ્યો. તે પૂર્વે સોના કે ચાંદી જેવી કીમતી ધાતુઓના સિક્કાઓ વિનિમયના માધ્યમ તરીકે પ્રચલિત હતા; પરંતુ જેમ જેમ વાણિજ્ય અને વ્યાપારમાં વિનિમયના વ્યવહારોનું વિસ્તરણ થતું ગયું તેમ તેમ ધાતુના પુરવઠાની અછતને કારણે તેના સિક્કાઓ બનાવવા મુશ્કેલ થતા ગયા. વળી ધાતુના સિક્કાઓ દ્વારા વ્યાપારવાણિજ્યના વ્યવહારોમાં નડતી મુશ્કેલીઓ ક્રમશ: વધુ ને વધુ છતી થતી ગઈ, જ્યારે ભિન્ન ભિન્ન મૂલ્ય ધરાવતી કાગળની નોટો મારફત વ્યવહાર કરવો કેટલો અનુકૂળ છે તે જણાતું ગયું. ૧૬૯૬માં બૅંક ઑવ્ સ્કૉટલૅંડ એ સર્વપ્રથમ વ્યાપારી બૅંક હતી જેણે સફળ રીતે બૅંકનોટો ચલણમાં મૂકી. તે પૂર્વે બૅંકનોટો બહાર પાડવાનો ઇજારો તે દેશની મધ્યસ્થ બૅંક ધરાવતી હતી. આજે પણ બૅંક ઑવ્ સ્કૉટલૅન્ડ વ્યાપારી બૅંક હોવા છતાં ચલણી નોટો બહાર પાડતી હોય છે. અમેરિકાના ક્રાંતિયુદ્ધ દરમિયાન યુદ્ધની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવાના હેતુથી કૉન્ટિનેન્ટલ કૉંગ્રેસ દ્વારા કૉન્ટિનેન્ટલ બૅંકનોટો ફરતી કરવામાં આવી. ૧૮૬૨ સુધી અમેરિકાના સમવાયતંત્રની સરકારે બૅંકનોટો ફરતી કરી ન હતી; પરંતુ ૧૭૮૯માં અમેરિકાનું બંધારણ અધિકૃત રીતે સ્વીકૃત થતાં ત્યાંની કૉંગ્રેસે પોતાની સર્વપ્રથમ મધ્યસ્થ બૅંકને ચલણી નોટો બહાર પાડવાની સત્તા આપી; પરંતુ આ સત્તા આગળ ચાલુ ન રખાતાં ૧૮૧૧માં આ બૅંકે પોતાનું એ કાર્ય સમેટી લીધું. ત્યારબાદ વર્ષ ૧૮૧૬માં અમેરિકાની કૉંગ્રેસે દેશની બીજી મધ્યસ્થ બૅંકને બૅંકનોટો બહાર પાડવાની સત્તા આપી, જે કામ તેમણે ૧૮૪૧ સુધી ચાલુ રાખ્યું. ૧૯૩૩માં અમેરિકાની સમવાય સરકારે બહાર પાડેલા વહીવટી હુકમ અન્વયે ધાતુના સિક્કાઓની અવેજીમાં કાગળની નોટો ચલણમાં મૂકવામાં આવી; એટલું જ નહિ, પરંતુ જે નાગરિકો પોતાની પાસે બૅંકનોટોની અવેજીમાં સો ડૉલરના મૂલ્યનો સોનાનો જથ્થો રાખે તેમને દસ હજાર ડૉલર જેટલો દંડ તથા દસ વર્ષના કારાવાસની સજા ફટકારવામાં આવે એવી જોગવાઈ પણ એ હુકમ દ્વારા કરવામાં આવી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, ચલણી નોટ, પૃ. 97) ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે