શણ


લાંબા, મૃદુ અને ચળકાટવાળા રેસાઓ ધરાવતી શાકીય કે અર્ધક્ષુપ એકવર્ષાયુ વનસ્પતિ. શણની મોટી છૂંછ અને બોર છૂંછ નામની વનસ્પતિઓની અન્નવાહક પેશીમાંથી આ રેસા પ્રાપ્ત થાય છે. મોટી છૂંછ ૨.૪ મી.થી ૩ મી. જેટલી ઊંચાઈ ધરાવે છે. તેના પર પીળાં પુષ્પો અને ગોળ શિંગો થાય છે. બોર છૂંછની શિંગો થોડી લાંબી હોય છે અને રેસા થોડી નીચી ગુણવત્તાવાળા હોય છે. શણ ચોમાસુ પાક છે. તેને હૂંફાળી આબોહવા માફક આવે છે. ભેજવાળી, ગોરાડુ અને ફળદ્રૂપ જમીનમાં તે સારી રીતે થાય છે. વાવેતર પછી ત્રણ-ચાર માસમાં તેના પર ફૂલો બેસે છે. તે સમયે પાકને લણી લેવામાં આવે છે. ખેતરમાં જ તેની સુકવણી કરી પાંદડાં ઉતારી લઈ, સોટીના પૂળા બાંધવામાં આવે છે. તેમને ફરી તપાવી, છીછરા પાણીમાં ડુબાડી, ઉપર લાકડાં કે પથ્થરનો ભાર મૂકવામાં આવે છે. આથી છાલ ઊખડી આવે છે. તેને નિચોવી, સારા પાણીથી ધોઈ, તડકે સૂકવી રેસા છૂટા પાડવામાં આવે છે. રેસાના ભારા બાંધી કારખાનાને વેચવામાં આવે છે.

કપાસના રેસાઓ પછી શણના રેસાઓ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. શણના રેસાઓ કપાસના રેસાઓ કે અળસીના રેસાઓ કરતાં ઓછા કીમતી છે. શણના રેસાઓ ૧.૮ મી.થી ૩.૦ મી. જેટલા લાંબા અને આછા પીળા રંગના હોય છે. તેઓ ઓછા મજબૂત, રેશમી, ચળકતા અને પ્રમાણમાં વિપુલ હોય છે. શણના રેસાઓ સસ્તા અને સરળતાથી કાંતી શકાય તેવા હોય છે. શણ મલેશિયા કે શ્રીલંકાનો મૂળ પાક છે; પરંતુ તે ભારતીય પાક કહેવાય છે. વિશ્વમાં તેના ઉત્પાદનમાં ભારત પહેલા ક્રમે છે. ભારત ઉપરાંત ચીન, બાંગ્લાદેશ, વિયેટનામ, થાઇલૅન્ડ  અને મ્યાનમાર પણ શણનું ઉત્પાદન કરતા દેશો છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર અને ઓરિસા શણ ઉત્પન્ન કરનારાં રાજ્યો છે. ઉપયોગ : શણ મુખ્યત્વે બરછટ વણાટવાળી વસ્તુઓ બનાવવામાં ઉપયોગી છે. તે થેલાઓ, કોથળીઓ, ગૂણીઓ, રૂની ગાંસડીઓ માટેનાં કંતાનો, બરછટ કાપડ, પડદાઓ, શેતરંજીઓ અને દોરીઓ બનાવવામાં વપરાય છે. શણના રેસામાંથી ચીકાશરોધી (greese-proof) કાગળ બને છે. ભારતમાં તેના રેસાઓ સાથે ઊન મિશ્ર કરીને શાલ કે સસ્તા ધાબળા પણ બનાવવામાં આવે છે. તે મીઠાઈ અને બીજા ઉદ્યોગોમાં ચીકાશવાળા પદાર્થોને વીંટાળવામાં મોટે પાયે વપરાય છે. ટૂંકા રેસાઓમાંથી કાગળ બનાવાય છે. શણના રેસાઓ છાપરાના નમદાઓ (felts), પગરખાંનાં અસ્તર તથા ગાદીનું કાપડ બનાવવામાં તથા ભીંતના લેપન માટે ઉપયોગી છે. જોકે હવે આ બધી વસ્તુઓ માટે કૃત્રિમ રેસાનો વપરાશ વધ્યો છે; પરંતુ આરોગ્યની દૃષ્ટિએ શણનો વપરાશ હિતાવહ છે.

શુભ્રા દેસાઈ