મોહનિદ્રા : જીવન અને મૃત્યુમાં !


વિશ્વવિજેતા શહેનશાહ સિકંદર અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. એની બાજુમાં એની માતા તરફડી રહેલા પુત્રને જોઈને આક્રંદ કરતી હતી. જગત-વિજેતાની આવી દયનીય સ્થિતિ ! પોતાની શક્તિથી અનેકને મોતને ઘાટ ઉતારનાર સિકંદર ખુદ પોતાના મોત સામે આવીને ઊભો હતો. એની માતાએ આંખોમાં આંસુ સાથે રૂંધાયેલા કંઠે પૂછ્યું, ‘અરે ! મારા લાડકા પુત્ર સિકંદર ! તારા વિના હું કઈ રીતે જીવી શકીશ ? અસહ્ય, અસહ્ય !’ શહેનશાહ સિકંદરે માતાને આશ્વાસન આપતાં કહ્યું, ‘મા ! મા ! હિંમત રાખ. ગભરાઈશ નહીં. મૃત્યુ પછી સત્તરમા દિવસે મારી કબર પર આવજે. હું તને જરૂર મળીશ.’ માતાએ સ્વસ્થતા રાખી. જગતવિજેતા શહેનશાહ સિકંદરનું અવસાન થયું. એને કબરમાં દાટવામાં આવ્યો.

સિકંદરની માતા માંડ માંડ દિવસો પસાર કરતી હતી. સિકંદરના મૃત્યુ પછી સોળ સોળ દિવસ સુધી હૈયામાં ધૈર્ય ધારણ કરીને રહી. સત્તરમા દિવસે સિકંદરને મળવાની આશાએ સઘળાં દુ:ખ સહેતી રહી. સત્તરમા દિવસની સાંજ ઢળી. સિકંદરની માતા કબર પાસે ગઈ. કોઈનો પગરવ સંભળાયો. માનું હૈયું બોલી ઊઠ્યું, ‘કોણ છે ? બેટા સિકંદર ! તું આવ્યો ?’ પેલા અવાજે કહ્યું, ‘તમે કયા સિકંદરની શોધ કરો છો ?’ માતાએ કહ્યું, ‘બીજા કોની ? વિશ્વવિજેતા સિકંદરની. મારા જિગરના ટુકડા સિકંદરની. એના સિવાય બીજો સિકંદર છે કોણ ?’ એકાએક અટ્ટહાસ્ય સંભળાયું. એ ભયાવહ જંગલને ચીરીને પર્વતમાળા સાથે ટકરાઈને વિલીન થઈ ગયું. ધીમેથી કોઈનો અવાજ આવ્યો, ‘અરે બાવરી, કેવો છે તારો સિકંદર ? કોનો છે સિકંદર ? આ કબ્રસ્તાનની ધૂળમાં કેટલાય સિકંદરો પોઢેલા છે.’ આ અવાજ સાંભળતાં સિકંદરની માતા ચોંકી ઊઠી અને એની મોહનિદ્રાનો ભંગ થયો. માનવીની મોહનિદ્રાએ મૃત્યુને મારક બનાવ્યું છે. મૃત્યુની સાચી ઓળખને બદલે એની આસપાસ માન્યતાઓનાં જાળાં ગૂંથી દીધાં છે. ભય અને શોકનો ઘેરો ઘાલ્યો છે અને રુદન-વિલાપની ચોકી બેસાડી છે. જગતવિજેતા સિકંદરને પણ મોત સામે ઝૂકી જવું પડ્યું. એણે મૃત્યુની વાસ્તવિકતા સ્વીકારી. માનવીને એના જીવન દરમિયાન ‘મોહનિદ્રા’ પજવે છે, એ જ રીતે માનવીના સ્વજનો પર મૃત્યુ પછી ‘મોહનિદ્રા’ પ્રભાવ પાડતી હોય છે. જીવનમાં એક પ્રકારનો મોહ હોય છે, મૃત્યુમાં ભિન્ન પ્રકારનો. જીવનને પ્રદર્શનથી ભરી દઈએ છીએ અને મૃત્યુને દંભથી મઢી દઈએ છીએ. જીવનની વાસ્તવિકતાની ઉપેક્ષા કરનાર વ્યક્તિ જીવનના અર્થ કે મૃત્યુના મહિમાને પામી શકતા નથી.

કુમારપાળ દેસાઈ