દેનિસ દીદેરો


જ. ૫ ઑક્ટોબર, ૧૭૧૩ અ. ૩૧ જુલાઈ, ૧૭૮૪ ફ્રેન્ચ વિશ્વકોશકાર, નવલકથાકાર, નાટ્યકલાના મીમાંસક અને ફિલસૂફ. ૧૭૩૨માં એમ.એ.ની ઉપાધિ મેળવી પણ ૧૭૪૨ સુધીનો દસકો ગરીબાઈ અને મુશ્કેલીઓમાં પસાર થયો. ત્યારબાદ અંગ્રેજી ભાષાની જાણકારી મેળવી. ધર્મની બાબતમાં તેમનો અભિગમ જુનવાણી સમાજથી અલગ રહેતો અને ક્યારેક તેમના કઠોર અભિપ્રાયો આપતા તેથી જેલવાસ પણ ભોગવવો પડ્યો. ગુનાની કબૂલાત કરવાથી અને સારી વર્તણૂકની બાંયધરી આપવાથી કેટલાક સમયની સજા પૅરિસની નજીકમાં જ અટકમાં રહી ભોગવી. અહીં જ તેમણે વિશ્વકોશનું કામ શરૂ કર્યું. ૧૦૨ દિવસની કારાવાસની સજા ભોગવી તેઓ મુક્ત થયા. રશિયાની મહાન રાણી કૅથરિને તેમનાં પુસ્તકો ખરીદવાની તૈયારી બતાવી તેથી તેઓ પૅરિસથી સેંટ પિટર્સબર્ગ સુધીની મુસાફરી કરીને ગયા. રાણીએ કેટલાંક પુસ્તકો ખરીદ્યાં અને દીદેરોનું આર્થિક ઋણ હળવું થયું. ત્યારબાદ તેમની મૉસ્કોમાં ગ્રંથપાલ તરીકે પણ નિમણૂક કરવામાં આવી. તેમની ગણનાપાત્ર કૃતિઓમાં ‘ફિલૉસૉફિકલ થૉટ્સ’ (૧૭૪૬), ‘લેટર્સ ઑન ધ બ્લાઇન્ડ’ (૧૭૪૯ – જેમાં ધર્મવિષયે જુનવાણી માન્યતાઓ પર કુઠારાઘાત છે), ‘ઑન ધ ઇન્ટરપ્રિટેશન ઑવ્ નેચર’ (૧૭૫૪), ‘ધ ફાધર ઑવ્ ધ ફૅમિલી’ (૧૭૫૮ – જેમાં નાટક વિશેના તેમના મૌલિક વિચારો જોવા મળે છે. આ ઉપરાંત પણ ઘણી બધી રચનાઓ છે, પણ જેને કારણે તે અતિ પ્રતિષ્ઠા પામ્યા છે તેવી રચના ‘ધી ઍનસાઇક્લોપીદિ’ (૧૭૪૫-૧૭૭૨) લેખકની ઘણાં વર્ષોની મહેનતનું ફળ છે. તેનું મૂળ તો ‘ચેમ્બર્સ સાઇક્લોપીડિયા’(૧૭૨૮)માં છે પણ લેખકે તેમાં ઘણા સુધારાવધારા પણ કર્યા છે. અનેક લેખકોના સહકારથી આ વિશ્વકોશનું ભગીરથ કાર્ય તેમણે સિદ્ધ કર્યું હતું. જોકે પ્રકાશક લેબ્રેતોએ લેખકની જાણ બહાર કેટલાક વિવાદાસ્પદ ફકરાઓ રદ પણ કર્યા હતા. તેમ છતાં આજના વિશ્વકોશના વિકાસમાં આ ગ્રંથો મહત્ત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.

રાજશ્રી મહાદેવિયા