પોતાના રોજિંદા જીવનમાં પરિવર્તન સાધવાની વ્યક્તિને વારંવાર ઇચ્છા જાગે છે. એ વિચારે છે કે હવે આવતીકાલથી મારે આ પ્રમાણે જ જીવવું છે. મારે તદ્દન બદલાવું છે, મારે વ્યસનમુક્ત થવું છે. મારે સહિષ્ણુ બનવું છે, પરંતુ રાતોરાત આવું પરિવર્તન શક્ય નથી. પરિવર્તનની ઇચ્છા એક વાત છે, પરંતુ પરિવર્તનની પહેચાન મહત્ત્વની બાબત છે.
વ્યક્તિનું જીવન એની ધારણા અને માન્યતાઓને આધારે ચાલતું હોય છે. મોટા ભાગના વ્યવહારો કે વાણી-વિચાર અને વર્તન આપણા મનની માન્યતા પ્રમાણે કરીએ છીએ, આથી પહેલી આવશ્યકતા મનની માન્યતા અને શ્રદ્ધાને બદલવાની છે. એક બાજુ તમને વિશ્વાસ હોય કે વ્યસનથી ચિત્તને મજા આવે છે અને બીજી બાજુ વ્યસન છોડવાનો તમે સંકલ્પ કરતા હો, ત્યારે એ સંકલ્પ સિદ્ધ થવો અશક્ય છે. સહિષ્ણુ બનવાનો વિચાર કરો તે પૂર્વે કઈ કઈ બાબતો તમને અકળાવી મૂકે છે તેને જાણવી જોઈએ. તમારા સ્વભાવની કઈ ખાસિયત તમારા ગુસ્સાનું નિમિત્ત બને છે એની ચિકિત્સા કરવી જોઈએ, આથી જ પોતાની માન્યતા કે શ્રદ્ધાને પહેલાં સમજ્યા અને બદલ્યા પછી જ પરિવર્તન લાવી શકાય. વ્યક્તિએ એની માન્યતા અને શ્રદ્ધામાં સુખ અને દુ:ખનો ભાવ લપેટી દીધો હોય છે. અમુક વસ્તુ બનશે તો મને સુખ મળશે અને અમુક વસ્તુ થશે તો મને પારાવાર દુ:ખ થશે. અમુક વ્યક્તિ પ્રત્યે મને રાગ છે અને અમુક વ્યક્તિ પ્રત્યે મને દ્વેષ છે. આ બધી માન્યતાની ગાંઠો એના મનમાં હોય છે. જ્યાં સુધી આવી માન્યતાની ગાંઠો હોય ત્યાં સુધી વ્યક્તિ પોતાનાં વાણી, વ્યવહાર અને જીવનશૈલીમાં પરિવર્તન સાધી શકતી નથી. પરિવર્તન સાધવાની પૂર્વશરત છે તમારી પુરાણી માન્યતાને પહેલાં બદલવાની, પછી બધી વાત.
કુમારપાળ દેસાઈ