હરજી લવજી દામાણી ‘શયદા’


જ. ૨૪ ઑક્ટોબર, ૧૮૯૨ અ. ૩૧ મે, ૧૯૬૨

તેઓ ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને નાટ્યકાર હતા. તેમણે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ગઝલસ્વરૂપની કવિતાની શરૂઆત કરી હોવાથી તેઓ ગઝલસમ્રાટ તરીકે ઓળખાતા હતા. સૌરાષ્ટ્રની ખોજા શિયા ઇસ્ના અશરી જ્ઞાતિના, વતન ધોલેરાના  હરજીભાઈએ માત્ર ચાર ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. ઈ. સ. ૧૯૧૨માં પ્રથમ વખત તેમની કવિતા ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થઈ હતી. તેઓએ ‘શયદા’ ઉપનામ ધારણ કરેલું. ઉર્દૂ ગઝલોથી સ્વતંત્ર શૈલી તરીકે તેઓએ ગુજરાતી ગઝલની રચના કરી. શયદાનો અર્થ ઉર્દૂમાં ‘પ્રેમ સાથે પાગલ’ થાય છે. ગઝલનું ગુજરાતીકરણ કરવાનો યશ અને મુશાયરા દ્વારા ગઝલને લોકપ્રિય બનાવવામાં એમની મહત્ત્વની ભૂમિકા છે. ‘બે ઘડી મોજ’ (૧૯૨૪) સામયિકના તેઓ સ્થાપક-મંત્રી હતા. આ સામયિક દ્વારા અસલી ગુજરાતી ગઝલનો યુગ આરંભાય છે. આ ઉપરાંત પાંચમા-છઠ્ઠા દાયકામાં ચાલેલા ‘ગઝલ’ નામના સામયિકના તેઓ સહસંપાદક હતા. તેમના કાવ્ય-ગઝલ રચનાઓના ગ્રંથો ‘જય ભારતી’ (૧૯૨૨), ‘ગુલઝારે-શાયરી-શયદા’ (૧૯૬૧), ‘દીપકનાં ફૂલ’ (૧૯૬૫), ‘ચિતા’ (૧૯૬૮) તથા ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ (૧૯૯૯) છે, જેમાં ભાષાની સાદગી અને વિચારોની તાજગી તેમની ગઝલનો મુખ્ય વિષય છે.

તેમની નવલકથાઓમાં ‘મા તે મા’ (ભાગ ૧-૨), ‘અમીના’, ‘છેલ્લે રોશની’ (ભાગ ૧-૨), ‘બહાદુરશાહ ઝફર’ (ભાગ ૧-૨), ‘આઝાદીની શમા’ (ભાગ ૧-૨), ‘ખમ્મા ભાઈને’ (ભાગ ૧-૨) વગેરે હતી. આ ઉપરાંત તેઓએ ઘણાં નાટકો પણ લખ્યાં છે અને વાર્તાસંગ્રહો પણ લખ્યા હતા. તેમની યાદમાં ઇન્ડિયન નૅશનલ થિયેટર, મુંબઈ યુવા-ગુજરાતી ગઝલકાર – કવિઓને વાર્ષિક શયદા પુરસ્કાર આપે છે. મુંબઈમાં ચોપડીઓની ફેરીથી પોતાની કારકિર્દી શરૂ કરનાર શયદાએ ૫૦ જેટલાં પુસ્તકો લખી પોતાની ઉજ્જ્વળ કારકિર્દી પૂરી કરી હતી.

અંજના ભગવતી