જ. ૨૫ ઑક્ટોબર, ૧૮૮૩ અ. ૧૫ જૂન, ૧૯૬૯
ભારતના ખ્યાતનામ ભૂસ્તરશાસ્ત્રી. ભારતીય પ્રાદેશિક ભૂસ્તરશાસ્ત્રના માહિતીપ્રદ અભ્યાસ અને રજૂઆત માટે પ્રસિદ્ધિ પામ્યા હતા. પ્રારંભિક શિક્ષણ સૂરતમાં લીધા બાદ ગુજરાતની એક ખાનગી શાળા અને ત્યારબાદ ઉચ્ચશિક્ષણ મુંબઈ યુનિવર્સિટીમાં લીધું. ૧૯૦૩માં બી.એસસી. અને ૧૯૦૬માં એમ.એસસી. થયા. દિલ્હી યુનિવર્સિટીએ ૧૯૪૭માં અને અલીગઢ યુનિવર્સિટીએ ૧૯૬૭માં ડૉક્ટર ઑફ સાયન્સની માનદ પદવી આપી હતી.
૧૯૦૬માં તેમની નિયુક્તિ જમ્મુની ‘પ્રિન્સ ઑફ વેલ્સ’ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે કરવામાં આવી, જ્યાં તેમણે ૧૯૨૦ સુધી ભૂસ્તરશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. આ દરમિયાન તેઓ જિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના સભ્ય બન્યા અને ૧૯૨૧થી ૧૯૨૮ સુધી તેઓ તેના વૈજ્ઞાનિક અધિકારી બન્યા. ૧૯૨૮થી ૧૯૩૫ સુધી તેમણે જીવાવશેષ વિજ્ઞાની તરીકે કાર્ય કર્યું. ૧૯૩૫માં ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના ફેલો બન્યા. ૧૯૪૨-૪૩માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશનના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ બન્યા અને ૧૯૫૭માં રૉયલ સોસાયટી ઑફ જિયૉલૉજીના ફેલો તરીકે ચૂંટાયા. ૧૯૫૧-૫૨ દરમિયાન ભારતની ભૂસ્તરશાસ્ત્રીય સોસાયટી અને રૉયલ એશિયાટિક સોસાયટીના અધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા. ૧૯૬૦માં ‘ઇન્ડિયન નૅશનલ કમિટી ફોર ઓશનિક રિસર્ચ’ના ચૅરમૅન તરીકેની જવાબદારી પણ નિભાવી. તેમણે ભૂસ્તરશાસ્ત્ર વિષયનાં ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેમણે ૧૯૧૯માં ‘જિયૉલૉજી ઑવ્ ઇન્ડિયા’, ૧૯૨૯-૩૪માં ‘જિયૉલૉજી ઑવ્ કાશ્મીર ઍન્ડ નૉર્થવેસ્ટ પંજાબ’ તથા ૧૯૩૨માં ‘સિન્ટેક્સિસ ઑવ્ ધ નૉર્થવેસ્ટર્ન હિમાલયાઝ’ પુસ્તકો લખ્યાં છે. ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જિયૉલૉજી’ના અભ્યાસમાં તેમના પ્રદાન રૂપે ૧૯૭૬થી તેને ‘વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જિયૉલૉજી’નું નામ આપવામાં આવ્યું. આ ઉપરાંત તેમને આપવામાં આવેલા સન્માનમાં ૧૯૩૪માં રૉયલ જિયૉગ્રાફિકલ સોસાયટી ઍવૉર્ડ, ૧૯૪૩માં લંડન જિયૉલૉજિકલ સોસાયટીનો લાયલ ચંદ્રક, ૧૯૪૪માં ઇન્ડિયન ઍસોસિયેશન ઑફ ઍડવાન્સમેન્ટ ઑફ સાયન્સનો જયકિસાન ચંદ્રક, ૧૯૫૦માં નૅશનલ જિયૉગ્રાફિકલ સોસાયટીનો નહેરુ ચંદ્રક, ૧૯૫૮માં ‘પદ્મભૂષણ’, ૧૯૬૪માં મેઘનાદ સહા સુવર્ણચંદ્રક, કૉલકાતાની એશિયાટિક સોસાયટીનો ખેતાન સુવર્ણચંદ્રક તથા કૉલકાતા યુનિવર્સિટીનો સર્વાધિકારી સુવર્ણચંદ્રકની લાંબી હારમાળા છે.
રાજશ્રી મહાદેવિયા