વૈકુંઠભાઈ મહેતા


જ. ૨૬ ઑક્ટોબર, ૧૮૯૧ અ. ૨૮ ઑક્ટોબર, ૧૯૬૪

ભારતમાં સહકારી પ્રવૃત્તિના પ્રણેતા વૈકુંઠભાઈનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમના પિતા સર લલ્લુભાઈ શામળદાસ અને માતા સત્યવતીબહેન (શ્રી ભોળાનાથ સારાભાઈનાં પૌત્રી). ૧૯૦૭માં મુંબઈમાં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. ૧૯૧૦માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી તેઓ ગણિતના વિષય સાથે બી.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. તેઓ અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતા. મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં પ્રથમ આવવા બદલ તેમને ‘એલિસ પ્રાઇઝ’ મળ્યું હતું. આ ઉપરાંત તેમને અનેક સ્કૉલરશિપ તથા ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા. તેમણે ૧૯૧૩થી ૧૯૪૬ સુધી બૉમ્બે સેન્ટ્રલ બૅન્કમાં મૅનેજર અને મૅનેજિંગ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી. બૉમ્બે સ્ટેટ કો-ઑપરેટિવ યુનિયનના ચૅરમૅન તરીકે ૧૯૫૩થી ૧૯૬૦ સુધી કાર્યરત હતા. ૧૯૪૬થી ૧૯૫૨ દરમિયાન મુંબઈ સરકારના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી  શ્રી બી. જી. ખેરે તેમને નાણાપ્રધાન અને સહકારમંત્રી બનાવ્યા. તેમણે પહેલી વાર વેચાણવેરો દાખલ કર્યો. તેમણે કેન્દ્ર અને પ્રાદેશિક સરકાર વચ્ચે સાધનસામગ્રીની તેમજ આવકની વહેંચણી કરતા ફાઇનાન્સ કમિશનની મહત્ત્વની કામગીરી બજાવી. ૧૯૫૩માં ભારત સરકારે સ્થાપેલા ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના તેઓ અધ્યક્ષપદે નિમાયેલા.

વૈકુંઠભાઈએ અનેક સહકારી પરિષદોનું પ્રમુખસ્થાન શોભાવ્યું હતું. દેશમાં બેરોજગારી નાબૂદી માટે, દલિતો અને દરિદ્રનારાયણોની સેવા તેમજ સહકારી પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય હતા. તેમણે લખેલા કેટલાક ગ્રંથોમાં ‘ધ કો-ઑપરેટિવ મૂવમેન્ટ’, ‘ધ કો-ઑપરેટિવ મૂવમેન્ટ ઇન ન્યૂ ઇન્ડિયા’, ‘સ્ટડીઝ ઇન કો-ઑપરેટિવ ફાઇનાન્સ’, ‘પ્લાનિંગ ફોર કો-ઑપરેટિવ મૂવમેન્ટ’, ‘કો-ઑપરેટિવ ફાર્મિંગ’, ‘ટોવર્ડ્ઝ કો-ઑપરેટિવ કોમનવેલ્થ : ઍગ્રિકલ્ચરલ  ફાઇનાન્સ ઇન ઇન્ડિયા’, ‘ટોવર્ડ્ઝ ડિસેન્ટ્રલાઇઝ્ડ ઇકૉનૉમી’ (ખાદી કમિશન) વગેરે મહત્ત્વના છે.

સહકારી ક્ષેત્રે સુદીર્ઘ સેવાઓ આપનાર વૈકુંઠભાઈને ગાંધીજી માટે ખૂબ પ્રેમ અને માન હતું. જોકે તેઓ કૉંગ્રેસમાં કદી જોડાયા નહીં. તેઓ તેમની કાર્યનિષ્ઠા, સાદગી, નમ્રતા તથા ત્યાગવૃત્તિ માટે જાણીતા હતા. હાડકાંના માળા જેવું શરીર ધરાવતા વૈકુંઠભાઈ દૃઢ મનોબળ ધરાવતા હતા.

તેમની સેવાઓની કદર રૂપે ભારત સરકારે ૧૯૫૪માં તેમને ‘પદ્મભૂષણ’થી સન્માન્યા હતા. ૧૯૧૬માં બ્રિટિશ સરકારે વૈકુંઠભાઈને ‘કૈસરે હિન્દ’ રજતચંદ્રક અને સુવર્ણચંદ્રક અર્પણ કર્યા હતા, પરંતુ વિદેશી સરકારની દમનનીતિના વિરોધમાં તેમણે આ બંને ચંદ્રક બ્રિટિશ સરકારને પરત કર્યા હતા.

શુભ્રા દેસાઈ