આત્માને જાણ્યા વિના ‘હત્યા’


કરવા દોડી જાવ છો :

કેટલીક વ્યક્તિઓ પોતાના વર્તમાન જીવનને સતત ધિક્કારતી હોય છે. એ પોતાની આજની જિંદગી પ્રત્યે તિરસ્કાર ધરાવતી હોય છે અને આવી નકામી, પરેશાનીભરી, નરક સમી જિંદગી મળી એનો દિવસ-રાત વસવસો કરતી હોય છે. રોજિંદા જીવનમાં ડગલે ને પગલે સ્વ-જીવન અંગે નિસાસા નાખતી હોય છે, પરંતુ આ વ્યક્તિ એ હકીકત વીસરી જાય છે કે તમે તમારી જિંદગીને ગમે તેટલી તિરસ્કારશો,

તોપણ તમારે એ જીવવાની તો છે જ. એને જેટલી ધિક્કારશો એટલી ધિક્કારની ભાવના તમારા દિલમાં આવશે અને તેથી સ્વજીવન ધિક્કારપાત્ર બનશે, પણ એથીય આગળ વધીને તમારી જીવનદૃષ્ટિ જ ધિક્કારભરી બની જશે.

આસપાસના માણસો અળખામણા લાગશે. વારંવાર એમના પર ક્રોધાયમાન થઈ જશો. ક્યારેક આવેશમાં ચિત્ત પરનો કાબૂ ગુમાવીને એમને કટુવચનો કે અપશબ્દો કહેશો. કોઈક વાર હિંસક હુમલો પણ કરી બેસશો, કારણ કે પોતાની જિંદગીને ધિક્કારનારને બીજાના જીવન માટે કશો આદર હોતો નથી. આથી વ્યક્તિનું મહત્ત્વનું કાર્ય એ સ્વજીવનને ચાહવાનું છે. જીવનમાં જે સ્થિતિએ હોય, જે શારીરિક શક્તિ-મર્યાદા ધરાવતો હોય, જે પારિવારિક પરિસ્થિતિ હોય, તેમને સ્વીકારીને એણે સ્વ-જીવનને ચાહવું જોઈએ. એનું સીધુંસાદું કારણ એટલું જ કે તમે જીવનને ચાહશો કે ધિક્કારશો, પરંતુ એ જીવન તમારા આયુષ્યકાળ દરમિયાન તમારી સાથે જ રહેવાનું છે. સહેજ વિપરીત પરિસ્થિતિ ઉદભવતાં વ્યક્તિ પોતાના વર્તમાન જીવન પ્રત્યે નિરાશ અને ઉદાસીન બની જાય છે. જીવન બોજરૂપ લાગતાં આત્મહત્યા ભણી દોરાય છે. તમે હજી તમારા ‘આત્મા’ને ચાહ્યો જ નથી, ત્યાં વળી એની ‘હત્યા’ કરવા કેમ ધસી જાવ છો ?

કુમારપાળ દેસાઈ