સ્વામી વિવેકાનંદે દેશમાં અને વિદેશમાં આધ્યાત્મિક ચેતનાની જાગૃતિનું કાર્ય કર્યું. ભારતીય પ્રજાને એનાં ધર્મ અને સંસ્કૃતિ માટે ગૌરવ લેતી કરી. અંગ્રેજોએ ભારતને માત્ર રાજાઓ, મદારીઓ અને કોબ્રાના દેશ તરીકે ઓળખ્યો હતો એ પશ્ચિમી જગતને ભારતીય પ્રચંડ આધ્યાત્મિક શક્તિનો પરિચય આપ્યો. સ્વામી વિવેકાનંદ પાસે સમાજના તમામ સ્તરના લોકો આવતા. પોતાની શંકા અને જિજ્ઞાસા પ્રગટ કરતા અને સ્વામીજી એનું સમાધાન શોધી આપતા.
એક દિવસ સ્વામી વિવેકાનંદ પાસે એક અકળાયેલો યુવાન આવ્યો. એણે કહ્યું, ‘સ્વામીજી, હું આશ્રમોમાં ગયો, પલાંઠી લગાવીને સાધના કરવા બેઠો. દિવસોના દિવસો સુધી સાધના કરી, પણ મારા હૃદયને સહેજે શાંતિ મળી નહીં.’
કોઈ પ્રભાવક સંતની વાત સાંભળું એટલે મારી શ્રદ્ધાનાં સુમન લઈને એ સંતની પાસે દોડી જતો. એમની પાસે ચિત્તશાંતિની યાચના કરતો. તેઓનો ઉપદેશ સાંભળતો, પણ ક્યાંય મને શાંતિ ન મળી. પાર વિનાનું તીર્થાટન કર્યું, પરંતુ જીવનમાં અશાંતિ એટલી જ રહી.
સ્વામી વિવેકાનંદે પૂછ્યું, ‘આ સિવાય બીજા કોઈ પ્રયત્નો કર્યા ખરા ?’
યુવાને કહ્યું, ‘હા, મારી કોટડી બંધ કરીને હું બેસી ગયો. મારા ઘરમાં કોઈ ન પ્રવેશે. આ બધું કરવા છતાં ક્યાંય શાંતિ મળી નહીં.’
વિવેકાનંદે કહ્યું, ‘તમારી કોટડીના દરવાજા બંધ ન રાખશો. એને પૂરેપૂરા ખુલ્લા રાખજો. એમાં કોઈ અભાવગ્રસ્ત આવે તો એને આવકાર આપજો. દરવાજાની બહાર નીકળીને આસપાસ વસતા દુ:ખી, રોગી અને ભૂખ્યા લોકોની ભાળ મેળવજો અને યથાશક્તિ એમની સેવા કરજો. જે નિરક્ષર અને અજ્ઞાની હોય તેમને હેતથી ભણાવજો. આ કરશો તો તમને જરૂર શાંતિ મળશે.’ માનવીની અધ્યાત્મયાત્રા માટે પહેલી જરૂર જીવનસાધનાની છે. અન્ય વ્યક્તિઓને સહાયભૂત થવામાં જ જીવનનો મર્મ હાથ લાગશે. માનવસેવા, જીવનસાધના અને નેક દિલના આત્મસમર્પણ પર આધ્યાત્મિક ઇમારત રચાવી જોઈએ. અધ્યાત્મમાં પ્રવેશનારાએ પહેલાં માનવસેવાની સમજ મેળવવાની છે. માત્ર મોક્ષની મોટી મોટી વાતો કરવાથી કશું નહીં વળે. મોક્ષ મેળવવા માટે પહેલાં માનવકલ્યાણનો વિચાર કરવો જોઈએ. આપણે જોઈએ છીએ કે મોક્ષની વાત કરનાર જીવનથી વિમુખ હોય છે. ક્યારેક તો એને બીજાના જીવન તરફ ભારોભાર તિરસ્કાર હોય છે અથવા તો એ બીજાને ભૌતિકવાદી ઠેરવીને પોતે આધ્યાત્મિક હોવાનો આડંબરયુક્ત પ્રયાસ કરે છે. આને પરિણામે એ વ્યક્તિ સેવાના આનંદથી પણ અળગી રહે છે. સામાન્ય માનવીની ઉપેક્ષા કરીને વ્યક્તિ કદી અસાધારણ બની શકે નહીં. સામાન્ય માનવીની ચિંતા, સેવા અને કલ્યાણનો વિચાર કરનાર વ્યક્તિઓ અસાધારણ બની શકે છે.
કુમારપાળ દેસાઈ