શિકાગો


યુનાઇટેડ સ્ટેટ્સના ઇલિનૉય રાજ્યમાં આવેલું મોટામાં મોટું શહેર.

તે ૪૧ ૫૧’ ઉ. અ. અને ૮૭ ૩૯’ પ. રે. આજુબાજુ વિસ્તરેલું છે. આ શહેર મિશિગન સરોવરની નૈર્ૠત્યમાં ૪૦ કિમી.ને અંતરે આવેલું છે. આ શહેરમાં થઈને શિકાગો નદી વહે છે. તેને નહેરો સાથે સાંકળી લેવામાં આવેલી છે. મિશિગન સરોવર અને મિસિસિપી નદી દ્વારા આ નહેરોને જળપુરવઠો મળી રહે છે. શહેરની વસ્તી આશરે ૨૬,૯૫,૫૯૮ (૨૦૧૦) જેટલી છે. શિકાગો શહેરનું ભૂપૃષ્ઠ સમતળ છે. અહીં ઉનાળો ગરમ અને ભેજયુક્ત રહે છે જ્યારે શિયાળામાં હિમવર્ષા થાય છે. સરેરાશ વાર્ષિક વર્ષા લગભગ ૮૧૦ મિમી. જેટલી તો હિમવર્ષા ૧,૦૦૦ મિમી. જેટલી થાય છે.

વહીવટી સરળતાની દૃષ્ટિએ શિકાગો શહેરને મુખ્ય ચાર વિભાગોમાં વહેંચેલું છે : (૧) મધ્ય શિકાગો : શિકાગો નદીની ઉત્તરે આવેલો આ વિભાગ ‘મૅગ્નિફિશન્ટ માઈલ’ તરીકે ઓળખાય છે. અહીં અત્યાધુનિક દુકાનો, હોટલો, રેસ્ટોરાં, રમણીય બાગબગીચા અને વિવિધ કાર્યાલયો આવેલાં છે. રેલમાર્ગ દ્વારા આ મધ્ય વિભાગને પરાંઓ સાથે સાંકળી લેવામાં આવ્યો છે. ધી ઓલ્ડ વૉટર-ટાવર અહીંનું ખૂબ જ જાણીતું સ્થાપત્ય છે. (૨) ઉત્તર વિભાગ : આ વિભાગમાં મોટા ભાગે વસાહતો આવેલી છે. શિકાગોનું ઓ હેર (O’ Hare) આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અહીં આવેલું છે. વિશ્વનાં સૌથી વ્યસ્ત હવાઈ મથકોમાં તેની ગણના થાય છે. જૉન એફ. કૅનેડી દ્રુતગતિ માર્ગ આ વિભાગમાંથી પસાર થાય છે. અહીં ભેટસોગાદો માટેની દુકાનો, રાત્રિક્લબો અને હોટલોનું પ્રમાણ વિશેષ છે. (૩) પશ્ચિમ વિભાગ : અહીં અનેક ઔદ્યોગિક એકમો, ગોદામો આવેલાં છે. અહીં નિગ્રો, મેક્સિકન તેમ જ મૂળ અમેરિકનો વસે છે. દુનિયાની સૌથી મોટી પોસ્ટ-ઑફિસ અહીં આવેલી છે. ડી. આઇઝનહોવર દ્રુતગતિ માર્ગ આ વિભાગમાંથી પસાર થાય છે. (૪) દક્ષિણ વિભાગ : અહીં વિશાળ ઔદ્યોગિક એકમો આવેલા છે. આ વિભાગ વિસ્તાર તેમ જ વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટો છે. આંતરરાષ્ટ્રીય બંદર પણ આ વિભાગમાં જ આવેલું છે. તે ઉપરાંત શિકાગો શહેરમાં વિશાળ બગીચા આવેલા છે. તેમાં લિંકન પાર્ક, ગ્રાન્ટ પાર્ક, બર્નહામ પાર્ક, જેક્સન પાર્ક, વૉશિંગ્ટન પાર્ક, પ્રાણીસંગ્રહાલયો, રમતનાં મેદાનો, બૉટનિકલ ગાર્ડન અને મત્સ્યગૃહો આવેલાં છે. શિકાગો શહેરનું અર્થતંત્ર ઉદ્યોગો, વેપાર તથા મૂડીરોકાણ પર નભે છે. અનાજ, કોલસો, લોખંડ અને પશુપેદાશોના વેપારનું તે મુખ્ય કેન્દ્ર છે. આ ઉપરાંત ખાદ્યપ્રક્રમણ, વીજળી અને વીજાણુ-સાધનો બનાવવાના, લોખંડપોલાદનાં યંત્રો અને સાધનસામગ્રી, ચિકિત્સા માટેનાં સાધનો, ઔષધિઓ, રસાયણો, પેટ્રોકેમિકલો, પરિવહનનાં સાધનો, છાપકામનાં યંત્રો અને તેમની સામગ્રી બનાવવાના એકમો અહીં આવેલા છે. આ શહેર યુ.એસ.નું સૌથી મોટું પરિવહનકેન્દ્ર ગણાય છે. ‘ધ ડેઇલી ડિફેન્ડર’, ‘ટ્રિબ્યૂન’ અને ‘સન ટાઇમ્સ’ આ શહેરનાં જાણીતાં વર્તમાનપત્રો છે. શિકાગો ગીચ વસ્તી ધરાવતું શહેર છે. ૧૮૬૦ના ગાળામાં યુરોપ, જર્મની, ઇટાલી, પોલૅન્ડ અને આયર્લૅન્ડના ગરીબ ખેડૂતો તેમ જ મજૂરો સ્થળાંતર કરી આવીને અહીં વસ્યા છે. ઉદ્યોગો, વેપારનાં ક્ષેત્રો સિવાય ડૉક્ટરો, વકીલો, શિક્ષકો અહીં પોતપોતાના વ્યવસાયોમાં કામ કરે છે. અનેક લોકો હોટલના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. ઇલિનૉય, નૉર્થ ઈસ્ટર્ન ઇલિનૉય તથા શિકાગો સ્ટેટ યુનિવર્સિટી ઉચ્ચશિક્ષણ માટેની જાણીતી યુનિવર્સિટીઓ છે. અહીંના જાણીતા સ્થાપત્યમાં સિયર્સ ટાવર છે. આ ઇમારત ૧૧૦ માળ ધરાવે છે. તેના ૧૦૩મા મજલેથી આખું શિકાગો શહેર અને મિશિગન સરોવરનો કાંઠો જોઈ શકાય છે. વળી આ શહેરમાં કલા, ઇતિહાસ અને વિજ્ઞાનને લગતાં વિવિધ સંગ્રહાલયો પણ આવેલાં છે.

અમેરિકી કવિ ર્ક્લ સૅન્ડબર્ગે આ શહેરને ‘સિટી ઑવ્ બિગ શોલ્ડર્સ’ કહીને નવાજેલું છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અમલા પરીખ