નીનુ મજુમદાર


જ. ૯ નવેમ્બર, ૧૯૧૫ અ. ૩ માર્ચ, ૨૦૦૦

માત્ર ગાયક નહિ પણ સંગીતજ્ઞ અને બહુશ્રુત સ્વરકાર નીનુ મજુમદારનો જન્મ વડોદરામાં થયો હતો. પિતા નગેન્દ્રભાઈ ચલચિત્રોના અભિનેતા અને સંગીતકાર હતા. બાળપણથી જ સંગીત સાથે લગાવ હતો અને તેથી જ  નીનુભાઈએ ઉસ્તાદ ફૈયાઝખાં અને ઉસ્તાદ ઇમામઅલીખાન પાસે સંગીતની તાલીમ લીધી હતી. ૧૯૩૧માં મુંબઈ આવીને નીનુભાઈ પિતા સાથે જોડાયા. રવીન્દ્રસંગીતની પણ તાલીમ લીધી. ૧૯૩૭માં વારાણસી જઈ ઉત્તર ભારતનું લોકસંગીત શીખ્યા. મુંબઈ પાછા આવીને પિતાની સાથે જ તેમણે ચલચિત્રોમાં સંગીત આપવાનું શરૂ કર્યું. શરૂઆત તેમણે બંસરીવાદનથી કરી. સમય જતાં હિંદી અને ગુજરાતી ચિત્રોમાં પાર્શ્વગાયક અને સંગીતકાર બન્યા. સી. એચ. આત્મા અને મીના કપૂર પાસે તેમણે ગીતો ગવડાવ્યાં હતાં. હિંદી ચિત્ર ‘ગોપીનાથ’માં તેમનું સંગીત ખૂબ વખણાયું હતું. ૧૯૫૬માં વી. શાંતારામે બનાવેલા દસ્તાવેજી ચિત્ર ‘ગુજરાતનું લોકસંગીત’નું નિર્દેશન નીનુભાઈએ કર્યું હતું. નીનુભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. સંગીતમાં શાસ્ત્રીય, લોક અને સુગમસંગીત, ગરબા, નાટક વગેરે ક્ષેત્રોમાં તેમની આગવી સૂઝ હતી. ગુજરાતના ગામડે ગામડે ફરીને તેમણે લોકસંગીતનું સંશોધન કર્યું હતું. ૧૯૫૩થી ૧૯૭૫ સુધી આકાશવાણી મુંબઈમાં સંગીતનિર્માતા તરીકે તેઓ કાર્યરત હતા. ત્યાંથી નિવૃત્ત થયા બાદ ‘સીતાયન’ અને બીજાં સંગીતનાટકો તેમણે લખ્યાં હતાં. તેમણે સ્વરબદ્ધ કરેલાં જાણીતાં ગીતોમાં ‘મેં તો રંગ્યો હતો એને દિલડાની સંગ’, ‘રક્ષા કરો જગદંબા ભવાની’, ‘પંખીઓએ કલશોર કર્યો’ વગેરેનો સમાવેશ થાય છે.

તેમનું આખું કુટુંબ વિવિધ કળા સાથે સંકળાયેલું છે. પત્ની કૌમુદી મુનશી ગુજરાતની કોકિલાના ઉપનામથી પ્રખ્યાત ગાયિકા હતાં અને પુત્રી રાજલ મહેતા પણ ગાયિકા છે. મીનળ પટેલ અભિનેત્રી છે અને સોનલ શુક્લ લેખિકા છે. પુત્ર ઉદય મજુમદાર ગાયક અને સંગીતકાર છે. નીનુ મજુમદારની ગીત બંદિશોમાં કાવ્ય અને સંગીતના ઊંડા રસની અભિવ્યક્તિ પ્રાપ્ત થાય છે.

અમલા પરીખ