શિવકુમાર ગિરજાશંકર જોશી


જ. ૧૬ નવેમ્બર, ૧૯૧૬ અ. ૪ જુલાઈ, ૧૯૮૮

કૉલકાતામાં રહેવા છતાં ગુજરાતથી કદી અળગા ન થનાર નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર શિવકુમારનો જન્મ પિતા ગિરજાશંકર અને માતા તારાલક્ષ્મીને ત્યાં અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક, માધ્યમિક તેમજ કૉલેજશિક્ષણ અમદાવાદમાં થયું હતું. ઈ. સ. ૧૯૩૭માં ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ.ની ડિગ્રી મળી તે પછી પિતાજીએ તેઓને કાપડના ધંધામાં ગોઠવવા કૉલકાતા મોકલી આપ્યા. આ પરિસ્થિતિ શિવકુમારને ફળી ગઈ. તેમના સમગ્ર જીવન પર તેની ઘેરી અસર પડી અને આ નવા વાતાવરણમાં તેઓનો સારો વિકાસ થયો. નાટ્યલેખન, અદાકારી, દિગ્દર્શન, નિર્માણ અને સંયોજનમાં સંગીત અને પ્રકાશનમાં શિવકુમાર ઘણા માહિર હતા. રંગભૂમિ પર ચાર દાયકા સુધી તેમનાં નાટકો અને નવલકથાઓ હિંદી અને ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતાં રહ્યાં. શિવકુમાર ચિરપ્રવાસી હતા, આથી પ્રવાસવર્ણનોનાં બે દળદાર પુસ્તકો તથા આત્મકથનાત્મક પુસ્તક ‘મારગ આ પણ છે શૂરાનો’ પ્રગટ કર્યાં છે. શિવકુમારે દિલ્હીની સાહિત્ય અકાદમીના આમંત્રણથી બંગાળીમાં અનુવાદો કર્યા છે. ૩૬ વર્ષના તેઓના લેખનકાળમાં લગભગ ૯૦ પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. તેમણે એકાંકી, નિબંધ, અનુવાદ, વિવેચન, નવલકથા, નવલિકા, નાટક, રેડિયોનાટક એમ સાહિત્યનાં અનેક સ્વરૂપોમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે.

તેમને ઈ. સ. ૧૯૫૨માં કુમાર ચંદ્રક, ૧૯૫૯માં નર્મદ સુવર્ણચંદ્રક અને ૧૯૭૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા હતા. તેમના નાટક ‘સુવર્ણરેખા’ (૧૯૬૧) માટે તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

અંજના ભગવતી