સંતો
નિસ્પૃહી સંત મથુરાદાસજી સમક્ષ આવીને એક ધનવાને નાણાંની થેલી મૂકી. ચરણમાં પડીને પ્રણામ કર્યા અને કહ્યું,
‘આપના આશીર્વાદનો ઉત્સુક છું. આપના જેવા સંતના આશીર્વાદ તો મારી સમૃદ્ધિને એકસો ગણી બનાવી દે તેવા છે. આપ મને અંતરથી આવા આશીર્વાદ આપો.’
સંત મથુરાદાસજીએ ધનવાન સામે જોયું અને કળી ગયા કે એની બનાવટી નમ્રતાની પાછળ ધનનો અહંકાર વસેલો છે. વેપારી સઘળે વેપાર જુએ અને લાભનો વિચાર કરે. આ વેપારી થોડા ધનના બદલામાં અધિક સંપત્તિ મેળવવા ચાહતો હતો.
નિસ્પૃહી સંતે કહ્યું, ‘તને આશીર્વાદ તો આપું, પણ એ પહેલાં મારી એક વાતનો ઉત્તર આપ. વિચાર કર કે તારા ઘરને આંગણે તારી પુત્રીનું તેં ધામધૂમથી લગ્ન યોજ્યું હોય, તોરણોથી શોભતો મંડપ રહ્યો હોય, મહેમાનો આવી ગયા હોય, સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરી હોય અને જાન પણ છેક બારણે આવીને ઊભી હોય, આવા સમયે તેં પાથરેલા મખમલના ગાલીચા અને સરસ મજાના ગાદીતકિયા પર કોઈ મૂર્ખ માણસ વિષ્ટા ફેંકે તો તું શું કરે ?’
વેપારીએ કહ્યું, ‘બાપજી, સાવ સીધી-સાદી વાત છે. એનાં હાડકાં ખોખરાં કરી નાખું. આમાં તે કંઈ બીજો વિચાર કરવાનો હોય ?’
સંત મથુરાદાસજીએ કહ્યું, ‘ભાઈ, તને જેવું થાય એવું જ મને થાય. વિચાર કર કે પ્રભુપ્રાપ્તિ માટે મેં સંસાર છોડ્યો, નદીકિનારે એકાંતમાં રહીને સાધના કરી, મારા અંતરના ઓરડામાં રહેલો સઘળો કચરો વાળીઝૂડીને સાફ કર્યો, મનના સઘળા મેલ ધોઈ નાખ્યા. હવે ઈશ્વરપ્રાપ્તિના તલસાટથી જીવું છું અને એકાંત-સાધના કરું છું એવા સંજોગોમાં તું તારી ધનરૂપી વિષ્ટા મારા અંતરના આંગણામાં નાખવા માટે આવ્યો છે. હવે કહે કે મારે તારી સાથે કેવું વર્તન અને વ્યવહાર રાખવાં જોઈએ ?’
વેપારીને પોતાની ભૂલ સમજાઈ અને એણે નાણાંની કોથળી પાછી લીધી. સંત મથુરાદાસજીની માફી માગી.
સંતની સાથે સંપત્તિ જોડાય છે ત્યારે ઘણો મોટો અનર્થ સર્જાય છે. સંત જ્યારે સંપત્તિની પાછળ દોડે છે, ત્યારે સત્ય એનાથી દૂર ભાગવા લાગે છે. સાધના એના જીવનમાંથી વિદાય લે છે અને વૈરાગ્ય નામશેષ થઈ જાય છે. એ સંત ભલે સંસારની બહાર હોય, પણ એક બીજો સંસાર સર્જે છે, જે સંસારનો શ્વાસ ખુશામત છે અને નિશ્વાસ પરિગ્રહ છે અને એના હૃદયના સિંહાસન પર ધનપ્રાપ્તિની લાલસા બિરાજમાન હોય છે. એનો ઉપદેશ માત્ર ઠાલા શબ્દો બની જાય છે, કારણ કે એમાં સચ્ચાઈ હોતી નથી. એની વાણીમાં કોઈ ચાલાક વેપારીની સામી વ્યક્તિ પાસેથી પૈસા કઢાવવાની યુક્તિ જોવા મળે છે. આવો સંત સંસારની બહાર રહીને સંસારી કરતાં પણ સંસારનું વધુ અકલ્યાણ કરે છે.
કુમારપાળ દેસાઈ