સ્વ. માનભાઈ ભટ્ટ દ્વારા ઈ. સ. ૧૯૩૯માં શરૂ થયેલ બાળકેળવણીની સંસ્થા.
‘શિશુવિહાર’ સંસ્થા અને માનભાઈ એક સિક્કાની બે બાજુઓ જેવા છે. ઈ. સ. ૧૯૩૮માં નાના પાયે શિશુવિહારની તેમણે શરૂઆત કરેલી. પાછળથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી તરફથી ઘણી મોટી જમીન દાનમાં મળી. આજે તો આ સંસ્થામાં અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. અહીં પ્રાથમિક શાળા, વિનયમંદિર, સંગીતવર્ગો, રંગભૂમિ-પ્રવૃત્તિ વગેરે સાથે શિક્ષણને પૂરક એવી અન્ય અનેક પ્રવૃત્તિઓ પણ ચાલે છે. આ સંસ્થા બાળજગતને ઉપયોગી એવાં પુસ્તકો તથા સામયિક વગેરે પ્રકાશિત કરે છે. ગરીબ બાળકોના સર્વાંગી વિકાસ માટે કશુંક નક્કર કરવાની ઝંખનાને કારણે માનભાઈએ આ પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. પ્રારંભમાં તેમને આ માટે ઊબડખાબડ જગ્યા પ્રાપ્ત થઈ. પછી તેને સપાટ ને સાફસૂથરી બનાવી. તેમના જેવી જ ભાવનાવાળા મિત્રોની મદદથી અને પ્રસિદ્ધ કેળવણીકાર શ્રી હરભાઈ ત્રિવેદીના માર્ગદર્શન નીચે તેમણે કાર્ય શરૂ કર્યું. એક હીંચકાથી ક્રીડાંગણની શરૂઆત કરી. માનભાઈ કોઈ પ્રકારના વ્યક્તિગત લાભની આશા વગર કે પોતે ઉપકાર કરી રહ્યા છે એવા ખ્યાલ વગર, પોતાના સિદ્ધાંત સાચવીને, બાળહિતની ભાવનાથી કાર્ય કરતા રહ્યા. વળી આ સંસ્થાએ ક્યારેય સરકાર પાસેથી આર્થિક મદદ કે અનુદાન લીધાં નથી. આ સંસ્થાને સ્વૈચ્છિક રીતે સ્વયંસેવકો અને વ્યાપક જનસમાજ તરફથી દાન કે મદદ પણ મળ્યાં છે. બાળકેળવણી અને સમાજસેવાના ધ્યેયથી આ સંસ્થા કામ કરે છે.
આ સંસ્થામાં અનેક પ્રવૃત્તિઓ નિયમિત રીતે ચાલે છે. આજે તેની પાસે વિશાળ ક્રીડાંગણ છે. તેમાં હીંચકા-લપસણી-ચકડોળો વગેરે રમતગમતનાં સાધનો છે. તરવા માટે હોજ, નાની નાની ટેકરીઓ, નાનાં નાનાં બુગદાંઓ, અરીસાઘર વગેરે પણ છે. અહીં અસંખ્ય વૃક્ષો છે. બાળકો કુદરતના ખોળામાં મોકળાશથી રમે છે અને શિક્ષણ મેળવે છે. આ સંસ્થા દ્વારા નેત્રયજ્ઞો થાય છે. સમાજના પછાત ગણાતા વિસ્તારમાં અને શાળાઓમાં નેત્રચિકિત્સા કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા ભાવનગરની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં MMR (Measles Mumpa and Rubella) નિમિત્તે રસીકરણનું કાર્ય રાહતદરે કરવામાં આવે છે. આ સંદર્ભે અનેક શિબિરો કરવામાં આવે છે. આ સંસ્થા આયુર્વેદિક દવાઓના ઉકાળાઓનું વિતરણ કરે છે. જરૂરિયાતમંદોને તબીબી સેવાના શેક માટેની કોથળી, પાણીની પથારી, ચાલવા માટેની ખાસ લાકડી, વૉકર, વ્હીલચૅર જેવાં સાધનોની સગવડ પણ પૂરી પાડે છે. ૧૯૫૨થી મોંઘીબહેન બધેકા બાલમંદિર ચાલે છે. અહીં મૉન્ટેસોરી પદ્ધતિ મુજબ શિક્ષણ અપાય છે. ૧૯૮૪થી રમકડાંઘર અને બાળપુસ્તકાલયની શરૂઆત થઈ છે. યુવાનોના યોગ્ય ઘડતર માટે સ્કાઉટ અને ગાઇડની પ્રવૃત્તિ ચાલે છે. શિશુવિહારના સ્કાઉટ-ગાઇડે છ વખત ગવર્નર શિલ્ડ જીતેલા અને તેમણે રાષ્ટ્રીય પુરસ્કારો પણ મેળવેલા. આ સંસ્થા જેલ, હૉસ્પિટલ વગેરે સંસ્થાઓને પુસ્તકો તેમ જ સામયિકો મોકલે છે. અહીં કલાકેન્દ્ર પણ ચાલે છે. તેને પોતાનું ઓપન ઍર થિયેટર છે. આ સંસ્થામાં ૧૯૪૦થી સીવણવર્ગો શરૂ થયા છે.
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ,
વૉલ્યુમ ભાગ-૮, શિશુવિહાર, પૃ. ૨૯8)
શ્રદ્ધા ત્રિવેદી