જ. ૧ ડિસેમ્બર, ૧૯૦૯ અ. ૨૦ માર્ચ, ૧૯૫૬
‘નવતર’ મરાઠી કવિતા અને વિવેચનના પ્રણેતા. એમનો જન્મ ખાનદેસપ્રદેશના ફૈઝપુર(મહારાષ્ટ્ર)માં થયો હતો. તેઓ પુણે યુનિવર્સિટીમાંથી બી.એ. થયા અને આઈ.સી.એસ.ની પરીક્ષા માટે લંડન ગયા, પણ તેમાં નિષ્ફળતા મળી. જોકે એ નિમિત્તે તેમનો બૌદ્ધિક વિકાસ ખૂબ થયો. ઇંગ્લૅન્ડના સાહિત્યિક પ્રવાહોના અભ્યાસને કારણે તેમની સાહિત્યિક રુચિનું ઘડતર સરસ થયું. ૧૯૩૨માં ભારત પાછા આવ્યા અને ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં મદદનીશ સંપાદક તરીકે જોડાયા. ત્યારબાદ ધારવાડ, મુંબઈ અને અમદાવાદની સરકારી કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૩૮માં ઑલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયા અને ત્યાં છેક સુધી કાર્યરત રહ્યા. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘શિશિરાગમ’ ૧૯૩૯માં પ્રગટ થયો. ‘કાહી કવિતા’ (૧૯૪૭), ‘આણખી કાહી કવિતા’ (૧૯૫૧), ‘આલા આષાઢ શ્રાવણ’ તેમના અન્ય કાવ્યસંગ્રહો છે. તેમની પાસેથી ‘રાત્રિચા દિવસ (૧૯૪૨), ‘તામ્બડી માતી’ (૧૯૪૩), ‘પાની’ (૧૯૪૮) વગેરે નવલકથાઓ પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત તેમણે નાટક, સંગીત અને વિવેચનક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. ‘કર્ણ’, ‘નટશ્રેષ્ઠ’, ‘સંગમ’, ‘ઔકશાન’ વગેરે નાટકો તેમની પાસેથી મળ્યાં છે. અન્ય સર્જકો સાથે તેમના પ્રદાનનો તુલનાત્મક અભ્યાસ પણ સંશોધન માટે થયો છે.
કોઈ પણ સાહિત્યિક પરંપરાનું તેમણે આંધળું અનુકરણ કર્યું નથી. સંસ્કૃત અને અંગ્રેજી અભિવ્યક્તિના દેખીતા અનુકરણને બદલે કાવ્યક્ષેત્રે તેમણે હિંમતભર્યા અને નવા પ્રયોગો કર્યા છે અને નવો પ્રતીકવાદ વિકસાવ્યો હતો. તેમનાં બિનપરંપરાગત કલ્પનાચિત્રો અને ભાષાવિષયક નવા અર્થઘટનને કારણે તેઓ ‘ક્રાંતિકારી કવિ’ તરીકે જાણીતા થયા છે. સાહિત્યિક મુલવણીના સંદર્ભમાં સૌંદર્યમૂલક અભિગમ અને સાહિત્ય તથા વિવેચનના સિદ્ધાંત જેમાં સ્થાપિત કર્યા છે તેવી કૃતિ ‘સૌંદર્ય આણિ સાહિત્ય’ (૧૯૫૫) માટે તેમને ૧૯૫૬ના વર્ષનો સાહિત્ય અકાદેમી, દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
શ્રદ્ધા ત્રિવેદી