જ. ૬ ડિસેમ્બર, ૧૮૬૧ અ. ૯ મે, ૧૯૧૯
બ્રિટિશ રાજના સમયમાં તેઓએ ચિતવન બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોવા છતાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલો. તેઓ પ્રસિદ્ધ મરાઠી કવિ હતા.
તેઓ લોકમાન્ય ટિકળના નજીકના સગા હતા. નારાયણ ટિળકે ભારતમાં જ અભ્યાસ કરેલો. માતાનો ધર્મ અને કવિતાનો પ્રેમ તેઓને વારસામાં મળેલા. ૧૧ વર્ષની વયે તેઓએ માતા ગુમાવી હતી, ત્યારથી તેમના જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું. તેમના પિતાનો સ્વભાવ ખૂબ કઠોર હતો. તેઓએ વાંચન કરી, ઊંડું વિચારીને ભારતની પ્રજા વિશે બ્રિટિશ રાજમાં થતી મુશ્કેલીઓ માટે વિમર્શ કર્યો હતો. તેમની પત્નીનું નામ લક્ષ્મી હતું.
તેઓના મનમાં દેશસેવા અને ખાસ કરીને સ્ત્રીઓનો શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રમાં વિકાસ થાય તેવી ભાવના હતી. તે માટે તેઓ પદયાત્રા કરવા માટે નીકળી પડ્યા. તે સમયે મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ શિક્ષણથી વંચિત રહેતી હતી, ભારતીય સમાજમાં બાળલગ્ન, બાળવિધવા અને નાતજાતનાં બંધનનો ભોગ સ્ત્રીઓ બનતી. આ સમસ્યાનો ઉકેલ શોધવા તેઓ ધર્મ તરફ વળ્યા. બૌદ્ધ, જૈન તથા ઇસ્લામ ધર્મમાં તેનું સમાધાન ન મળતાં છેવટે ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યા. ૧૮૯૫માં તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. લાંબા ગાળે તેમની પત્નીએ પણ એ ધર્મ સ્વીકાર્યો. ટિળકે ઘણી કવિતા અને પ્રાર્થનાની રચના કરી. ધીમે ધીમે ટિળક ખ્રિસ્તી ધર્મમાં ઊંડા ઊતરતા ગયા. પાછલાં વર્ષોમાં તેઓએ ઈસુ ખ્રિસ્તનું જીવન મરાઠી ભાષામાં લખવાનો આરંભ કર્યો પણ તે પૂરું કરે તે પહેલાં એમનું અવસાન થયું.
અંજના ભગવતી