જ. ૭ ડિસેમ્બર, ૧૯૦૬ અ. ૨૦ ઑક્ટોબર, ૧૯૫૯
ભારતીય ફિલ્મનિર્માતા, વિતરક અને પ્રદર્શક દલસુખ પંચોલીનો જન્મ કરાંચીમાં થયો હતો. તેમના કુટુંબનું મૂળ વતન ગુજરાતનું હળવદ. તેમના પિતા લાહોરમાં ફિલ્મવિતરક હતા. પંચોલીને નાનપણથી જ ફિલ્મો પ્રત્યેનું આકર્ષણ હતું. યુવાન વયે તેઓ પણ પિતાના આ વ્યવસાયમાં સક્રિય બન્યા હતા. તે સમયે લાહોરના ફિલ્મનિર્માતાઓમાંથી દલસુખ પંચોલી જ એવા નિર્માતા હતા જેમણે સૌપ્રથમ નૂરજહાંને ‘ગુલ બકાવલી’ ફિલ્મમાં બાળકલાકાર તરીકે રજૂ કરી. લાહોરમાં અનેક ફિલ્મો કરીને તેમણે લોકોની પ્રશંસા અને ખ્યાતિ મેળવ્યાં. ભારતના ૧૯૪૭ના વિભાજન દરમિયાન તેમને પોતાનો વિશાળ સ્ટુડિયો છોડીને મુંબઈ આવી જવું પડ્યું. મુંબઈ આવીને કેટલોક સમય સંઘર્ષ કર્યા બાદ પણ તેમણે કેટલીક યાદગાર ફિલ્મો કરી. તેમના મોટા ભાઈ પણ આ વ્યવસાયમાં જોડાયા હતા. ફિલ્મોનાં નિર્માણ અને વિતરણમાં અગ્રેસર મનાતા દલસુખ પંચોલીએ લાહોરમાં વિશાળ ‘ઍમ્પાયર ટૉકી ડિસ્ટ્રિબ્યૂટર્સ’ની સ્થાપના કરી હતી. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં અમેરિકી ફિલ્મોના તેઓ સૌથી મોટા આયાતકાર હતા. ભારતના વિભાજન સમયે પંચોલીનો ‘પંચોલી આર્ટ પિક્સ’ નામે લાહોરનો સૌથી મોટો સ્ટુડિયો હતો. અહીં તેમણે અનેક યુવકો અને યુવતીઓને અભિનેતા તથા અભિનેત્રી બનવાની તક આપી. ૧૯૫૪-૫૫માં તેઓ મુંબઈમાં ‘ઇન્ડિયન મોશન પિકચર્સ પ્રોડ્યુસર્સ ઍસોસિયેશન(IMPPA)ના અધ્યક્ષ હતા. તેમને સૌપ્રથમ પંજાબી ફિલ્મ બનાવવા બદલ પણ ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. તેમણે કરેલી કેટલીક જાણીતી ફિલ્મોમાં ‘સોહની મહિવાલ’ (૧૯૩૯), ‘યમલા જટ્ટ’ (૧૯૪૦), ‘ચૌધરી’, ‘ખજાંચી’ (૧૯૪૧), ‘જમીનદાર’ (૧૯૪૨), ‘મીનાબાઝાર’ (૧૯૫૦), ‘નગીના’ (૧૯૫૧), ‘આસમાન’ (૧૯૫૫), ‘લુટેરા’(૧૯૫૮) વગેરેનો સમાવેશ થાય છે.
શુભ્રા દેસાઈ